• શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026

કાંડાગરામાં શ્રમિકો-પોલીસ વચ્ચે ઘર્ષણ : વાહન સળગાવાયું

ભુજ, તા. 18 : મુંદરા તાલુકાના કાંડાગરા નજીક આવેલી લેબર કોલોનીમાં  31 વર્ષીય શ્રમિક નીરજકુમાર ભાગેન્દ્ર મહંતોએ  આપઘાત કરી લીધો હતો. હતભાગી યુવાનની લાશ લઈ જવા  મુદ્દે શ્રમિકો અને સ્થાનિક પોલીસ વચ્ચે મોડી રાત્રે ઘર્ષણ થયું હતું અને વાહનને આગ ચાંપવા સહિતની ઘટનાથી તંગદિલી છવાઈ ગઈ હતી.   દરમ્યાન આ મામલે સાત આરોપી અને 300 જણનાં ટોળાં સામે મહાવ્યથા, હત્યાનો પ્રયાસ સહિતની ભારેખમ કલમો તળે ગુનો દર્જ કરાવાયો છે. આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ લેબર કોલોનીમાં રહેતા 31 વર્ષીય નીરજકુમાર નામના  પરપ્રાંતીય શ્રમિકે તેના રૂમમાં અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. બનાવની  જાણ થતાં પોલીસે દોડી જઈને સ્થળ પંચનામું કરવા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. દરમ્યાન આસપાસમાં રહેતા શ્રમિકોએ જ્યાં સુધી નીરજના પરિવારજનો સ્થળ પર ન આવે ત્યાં સુધી મૃતદેહ રૂમમાંથી બહાર ન લઈ જવા પોલીસ સમક્ષ માગણી કરી હતી. કાયદા મુજબ પોસ્ટમોર્ટમ માટે  લઈ જવો જરૂરી હોવાની પોલીસે સલાહ આપતાં મજૂરો ઉશ્કેરાયા હતા. મજૂરોની સંખ્યા અને તેમનો લાશ ન લઈ જવા મુદ્દે વધતો આક્રોશ વધતો જોઈને  પોલીસે વલણ નરમ કર્યું અને સરકારી જીપ અને અંગત  કાર લઈને આવેલા કર્મચારીઓ પરત જવા નીકળતા હતા. આ દરમ્યાન પોલીસ બળજબરી કરી રહી હોવાના મતલબની ફેલાયેલી અફવાના પગલે પોલીસનાં વાહનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ પામીને પોલીસ કર્મચારીઓ વાહનોમાંથી બહાર નીકળીને જેમ-તેમ કરીને નીકળી ગયા હતા. દરમ્યાન ઉશ્કેરાયેલા લોકોએ વાહનો પર પથ્થરમારો કરીને એક સરકારી વાહનને આગ ચાંપી દીધી હતી.   તકેદારીના ભાગરૂપે રાત્રિના જ પશ્ચિમ કચ્છમાં અન્ય પોલીસ મથકોમાંથી પોલીસ જવાનો લેબર કોલોની ખાતે ખડકી દેવાયા હતા. હાલ અજંપાભરી શાંતિ  છે. દરમ્યાન આ મામલે  ભુજપુર આઉટપોસ્ટના ઈન્ચાર્જ  લાલજીભાઈ ગોકળભાઈ ચાડે આરોપીઓ પ્રદીપકુમાર સૂરજનારાયણ યાદવ, મહેમદ ઈશોદ, મહંમદ હાસીમ કલહાયા, છોટેલાલ  લાલાન રામફેરમુદ  મહોરમઅલી, અંકિતકુમાર વંશરાજ બાસીરહેબાન અલ્તાફ હુશેન, શ્યામલાલ ફતેહ  શાંકેત અને અન્ય 300 જણનાં ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ પોતાની ખોટી માગણી નહીં સંતોષવાનું મનદુ:ખ રાખી  ગેરકાયદે મંડળી રચીને હુલ્લડ કર્યું હતું. હુલ્લડ અટકાવવાનું કામ કરતાં  પોલીસ કર્મચારીઓને મારી નાખવાના ઈરાદે  પથ્થરમારો કર્યો હતો.  જેનાથી પોલીસ કર્મચારીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.  ટોળાંએ સરકારી વાહન પી-60માં 50 હજારનું નુકસાન કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે તેમજ એક વાહનને સળગાવ્યું હતું. અંદર બેઠેલા પોલીસ કર્મચારીઓને મારી નાખવાની કોશિશ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આજે દિવસ દરમ્યાન પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd