• બુધવાર, 24 ડિસેમ્બર, 2025

દેવપર-ગઢની વૃદ્ધાનું હમલાના તળાવમાં ડૂબી જતાં મોત

ભુજ, તા. 23 : માંડવી તાલુકાના દેવપર-ગઢની 60 વર્ષીય વૃદ્ધા ખીમઈબેન રામજી રોશિયા હમલા ગામે આવેલા તળાવમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ ગઈકાલે સાંજે મુંદરાના બરાયાની સીમમાંથી અજાણ્યા 30થી 40 વર્ષના યુવાનની કોહવાયેલી લાશ મળી હતી. ગઢશીશા પોલીસ મથકે દેવપર ગઢના નાનજીભાઈ રામજીભાઈ રોશિયાએ જાહેર કરેલી વિગતો મુજબ તેમના માતા ખીમઈબેન ગત તા. 21/12થી આજ સવાર સુધી કોઈ પણ સમયે હમલા ગામે આવેલા લધારા તળાવમાં કોઈ અગમ્ય કારણે ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ગઢશીશા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ હમલા (મંજલ)ના તળાવમાં મહિલા ડૂબી હોવા અંગેનો કોલ ગઈકાલે બપોરે ભુજની ફાયર બ્રિગેડને આવતાં તેમની ટીમ બચાવ સાધનો સાથે ધસી ગઈ હતી. બે દિવસની શોધખોળના અંતે આજે સવારે ડૂબેલી મહિલાની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના અસલમ પટ્ટણી, સત્યજિતસિંહ ઝાલા, કમલેશ મતિયા, ઋષિ ગોર, મોહન રબારી તથા તાલીમી સ્ટાફ જોડાયો હતો. બીજી તરફ ગઈકાલે સાંજે 4.30 વાગ્યાના અરસામાં બરાયા ગામની સીમમાંથી આશરે 30થી 40 વર્ષના અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી હતી. કોઈ અગમ્ય કારણે સાતથી આઠ દિવસ અગાઉ આ યુવાનનું મોત થયાનું પ્રાગપર પોલીસે જાહેર કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે દેહને જામનગર મોકલાયો છે. યુવાનની ઓળખ જાણવા પોલીસે તપાસ આદરી છે. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરાયો છે.

Panchang

dd