• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

કોટડા(રોહા)થી મકડા તરફના માર્ગે વધેલી ઝાડીથી અકસ્માતનો ભય

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 30 : તાલુકાના કોટડા(રોહા)થી મકડા તરફના માર્ગે બંને બાજુ ગાંડા બાવળ ઊગી નીકળતા માર્ગ સાંકડો બન્યો છે અને વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કોટડા(રોહા)ના સરપંચ ધનગૌરીબેન મેહુલકુમાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, કોટડા (રોહા)થી મકડા તરફ જતા પાંચ કિ.મી.ના બાયપાસ માર્ગ અને ગામ તરફના સાત કિ.મી. માર્ગની બંને બાજુ ગાંડો બાવળ ફૂલ્યોફાલ્યો છે. બંને બાજુ ઝાડી વધી જતાં રસ્તો સાંકડો બન્યો છે અને આવી સ્થિતિમાં માર્ગે પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ અંગે જિલ્લા પંચાયત પેટા વિભાગમાં લેખિત, મૌખિક રજૂઆતો કરાઈ છે. તે જ રીતે નખત્રાણા માર્ગ અને મકાન વિભાગ સમક્ષ પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં તંત્રના બહેરા કાને સંભળાતું ન હોય તેમ આજદિન સુધી આ દિશામાં કોઈ જ પગલાં ભરાયા નથી.  આ માર્ગે રાહદારીઓ, શાળાએ જતા બાળકો સહિત દિવસ દરમ્યાન લોકોની સતત અવર-જવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ ગંભીર અકસ્માત થાય તે પહેલા તંત્ર આળસ ખંખેરી તાત્કાલિક ઝાડી કટિંગની કામગીરી હાથ ધરે તેવી માંગ સ્થાનિક લોકોમાંથી ઊઠી રહી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd