• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

અજાપર ચોકડી નજીક આખલા સાથે બાઇક ભટકાતાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 30 : અંજારના અજાપર ચોકડી નજીક આખલા સાથે બાઇક ભટકાતાં ઘવાયેલા બાઇકચાલક બાબુ કરમશી બગડા (ઉ.વ. 40)એ સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બીજીબાજુ વરસામેડીમાં ઝેરી દવા પી જતાં સીમાદેવી કરણસિંઘ રાવત (ઉ.વ. 21)એ છેલ્લા શ્વાસ લીધા હતા. અંજારના નવાનગરમાં રહેનાર મૂળ સાંતલપુર પાટણના બાબુભાઇ બગડાને ગત તા. 28/10ના રાત્રિના ભાગે અજાપર ચોકડીથી આગળ આશાપુરા હોટેલ સામે અકસ્માત નડયો હતો. આ યુવાન પોતાનું બાઇક નંબર જીજે-39-એ-1014 લઇને જઇ રહ્યો હતો. દરમ્યાન, બાઇક આખલા સાથે ભટકાતાં આ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં આ બાઇકચાલકે સારવાર દરમ્યાન તા. 29/10ના રાત્રિના અરસામાં છેલ્લા શ્વાસ લીધા હતા. બીજીબાજુ વરસામેડીની શાંતિધામ સોસાયટીમાં પણ ગત તા. 28/10ના બનાવ બન્યો હતો. અહીં રહેનાર સીમાદેવી નામની યુવાન પરિણીતા પોતાના ઘરે હતી દરમ્યાન કામ કરતી વેળાએ અજાણતાં ઝેરી દવા પી લેતાં ઊલટી થઇ હતી. તેને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હોવાનું પોલીસમથકે કરાયેલી નોંધમાં જણાવાયું હતું. બનાવની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd