ભુજ, તા. 30 : પ્રેમી સાથે સહજીવન માટે માનકૂવાના વૃદ્ધની
હત્યા કરી મૃતદેહને સળગાવી સમગ્ર પ્રકરણને આડે પાટે ચડાવવાના ભુજ તાલુકાના ખાવડા નજીકના
ખારીના `અજબ પ્રેમ કી ગજબ કહાની' જેવા ચકચારી ખૂન કેસમાં આરોપી
અનિલ ગોપાલભાઈ ગાંગલ અને રામીબેન કાના ડેભા ચાડને સેશન્સ કોર્ટે નિર્દોષ છોડી મૂકતો
ચુકાદો આપ્યો હતો. અદાલતે ફરિયાદ પક્ષે પોતાના સમર્થનમાં 24 સાહેદને તપાસ્યા હતા, તેમજ રજૂ કરાયેલા દસ્તાવેજી
પુરાવાઓ અને અંતિમ દલીલ બાદ પણ ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરી શક્યો ન હોવાનું તારણ
કોર્ટે આપ્યું હતું અને બંને આરોપીને નિર્દોષ છોડી મૂકતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં
બંને આરોપીઓ એકબીજાના પ્રેમમાં હતા અને તેને સહજીવન વિતાવવા માટે કાવતરું રચી ભુજમાં
એકલવાયું જીવન જીવતા માનકૂવાના 64 વર્ષીય ભરતભાઈ પ્રકાશભાઈ ભાટિયાને હમીરસર તળાવની બાજુમાં આવેલી દુકાનના ઓટલા
પાસેથી અપહરણ કર્યું હતું. મારી નાખવાના ઈરાદે આ વૃદ્ધનું અપહરણ કર્યા બાદ ખારી ગામે
લઈ જઈ તેનું ખૂન કરી નાખ્યું હતું અને બાજુમાં આવેલા વાડામાં ડીઝલ, પેટ્રોલ અને લાકડા નાખી સળગાવી
દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રામીબેને પોતાની ઈચ્છાથી આપઘાત કરે છે તેવો વીડિયો
બનાવી મૃતદેહની બાજુમાં મોબાઈલ અને ચંપલ મૂકી દીધા હતા, જેથી
એવું ચિત્ર ઉપસે કે રામીએ આત્મહત્યા કરી છે. ત્યારબાદ રામી અને અનિલ સાથે રહેવાના ઈરાદે
કચ્છ બહાર જતા રહ્યા હતા અને રામીના સાસરિયા પક્ષ તેમજ માવતર પક્ષે રામીને મૃત સમજી
ધાર્મિક ક્રિયાઓ કરી હતી, પરંતુ દોઢ-બે માસ બાદ રામી પોતાના માવતરના
ઘરે જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આ કેસમાં ધરપકડ કરાયેલા બંને આરોપીને ગુજરાત
હાઈકર્ટ સુધી જામીન મળ્યા નહોતા. આ કેસમાં અનિલ ગોપાલભાઈ ગાંગલ તરફે ભુજના ધારાશાત્રી
એચ. સી. ચૌધરી, દીપક એસ. ઉકાણી તથા રામીબેન કાનજીભાઈ ચાડ વતી
વકીલ વસીમભાઈ આરબ હાજર રહ્યા હતા.