નવી દિલ્હી, તા. 17 : લોકસભામાં
બે દિવસ અને 20 કલાકની લાંબી ચર્ચા બાદ આજે
મહિલાઓને અનામત માટેનો બંધારણીય સુધારા ખરડો બે તૃતીયાંશ બહુમતી નહીં મળતાં નાપાસ થયો
હતો. તેના સમર્થનમાં 298 અને વિરોધમાં
230 મત પડયા હતા. આ બિલ પસાર ન
થઈ શકતાં સરકારે વિવાદાસ્પદ સીમાંકન ખરડો અને યુનિયન ટેરિટરીઝ લો (સુધારા) ખરડો રજૂ
ન કરવા નિર્ણય લીધો હતો. મત વિભાજનનું પરિણામ જાહેર થતાં જ વિરોધપક્ષોએ પોતાની સફળતા
લેખાવતાં તેને વધાવી લીધું હતું. સત્તાધારી ભાજપે કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી હતી.
ભાજપના મહિલા સાંસદોએ સંસદ પરિસરમાં કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે મોરચો કાઢયો
હતો. સદનમાં વર્તમાન સાંસદોની સંખ્યાના હિસાબે બિલ પસાર કરાવવા માટે બે તૃતીયાંશ એટલે
કે 352 મતની દરકાર હતી, જે મળી શક્યા નહોતા. આ રીતે સંસદ અને રાજ્ય
વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત 2029ની લોકસભા ચૂંટણીથી લાગુ કરવા સંબંધિત ખરડાને બ્રેક લાગી છે. મહિલા અનામત ખરડો લોકસભામાંથી પસાર ન થયા બાદ ભાજપ
અને એનડીએના મહિલા સાંસદોએ વિપક્ષ સામે સંસદના મકર દ્વારથી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હવે ભાજપ અને એનડીએમાં સામેલ દળોના કાર્યકર્તા આવતીકાલથી ઈન્ડિ ગઠબંધન સંબંધિત પક્ષોના
નેતાઓની ઘરની બહાર પ્રદર્શન કરશે. આ અગાઉ ચર્ચા દરમિયાન પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે તકરાર
અને તર્ક-વિતર્ક જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ
આરોપ મૂક્યો હતો કે સરકાર ખરડા મારફતે ચૂંટણીનો નકશો બદલવા માગે છે તેમજ સરકારને પોતાની
તાકાત ઘટવાનો ડર છે તેમ પણ કહ્યું હતું. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે ખરડા ઉપર ચર્ચાનો
જવાબ આપતાં કહ્યું હતું કે, વિપક્ષ દ્વારા
સીમાંકનને સતત લટકાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ મહિલા અનામતનો વિરોધ કરી રહી છે
અને લાંબા સમયથી મહિલા અનામત લાગુ થવા દઈ રહી નથી. આ બિલ પસાર થશે નહીં તે ખ્યાલ છે,
સંસદમાં વિપક્ષ હંગામા કરીને બચી જશે પણ ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસને
માતાઓ-બહેનોના આક્રોશનો સામનો કરવો પડશે. અમિત શાહે લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં કહ્યું
હતું કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ,
તેલંગાણા, તામિલનાડુ અને કેરળ આ પાંચ રાજ્યોની
543 સંસદીય સીટમાં વર્તમાન ભાગીદારી
129 સીટની છે, જે 23.76 બને છે. 50 ટકા સીટની
વૃદ્ધિ બાદ જ્યારે રાજ્યોને નવી સીટ મળશે તો સંખ્યા 129થી વધીને 195 થશે. જે 816 સીટમાં 23.87ને બરાબર રહેશે. શાહે આ સાથે
ભાર મૂકીને કહ્યું હતું કે આ પ્રક્રિયામાં કોઈપણ રાજ્યને નુકસાન થશે નહીં. ગૃહમંત્રી
અમિત શાહે કોંગ્રેસ ઉપર સીમાંકન લટકાવીને રાખવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું
કે, 50 વર્ષની જનતાને
આબાદીની તુલનાએ પોતાના પ્રતિનિધિ મળ્યા નથી.
વિપક્ષ મહિલા અનામતનો વિરોધ કરી રહ્યો છે. ચૂંટણીમાં વિપક્ષને માતાઓ-બહેનોના
આક્રોશનો સામનો કરવો પડશે અને રસ્તો પણ નહીં મળે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષ ઉપર
નિશાન તાકતાં કહ્યું હતું કે, દેશને
ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ-પશ્ચિમ જેવા નેરેટિવના આધારે વહેંચવો ન જોઈએ અને તમામને આવી
વાતથી ઉપર ઊઠવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, સંસદમાં તમામ રાજ્યો
અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમાન અધિકાર છે અને દેશની એકતા અને અખંડતાને જાળવી રાખવી
સૌથી મહત્ત્વપૂર્ણ છે. વિપક્ષ દ્વારા 50 ટકા સીટ વધારવાની ખાતરીની વાત કરવામાં આવતાં અમિત શાહે તરત કહી
દીધું હતું કે, સંસદને એક કલાક સુધી સ્થગિત
કરવામાં આવે તો તેઓ સત્તાવાર વટહુકમ લઈને આવશે. અમિત શાહે આગળ કહ્યું હતું કે,
તેઓ સમજી રહ્યા છે કે,
વિપક્ષ સમર્થન નહીં કરે અને
બિલ પસાર થવાનું નથી પણ દેશની મહિલાઓ જોઈ રહી છે કે, તેમના રસ્તામાં
અડચણ કોણ છે. સંસદમાં હંગામો કરીને બચી જવાશે પણ ચૂંટણીનાં મેદાનમાં મહિલાઓ જવાબ આપશે.
મુસ્લિમ મહિલાઓને અનામતના સવાલ ઉપર શાહે કહ્યું હતું કે, બંધારણમાં
ધર્મના આધારે અનામતની જોગવાઈ નથી અને ભાજપ બંધારણને અનુરૂપ કાર્યવાહી કરે છે. માત્ર
તુષ્ટિકરણના કારણે ઈન્ડિ ગઠબંધન ધર્મના આધારે અનામત લાવવા માગે છે. વિપક્ષ ઉપર વધારે
પ્રહાર કરતાં શાહે ઓબીસીનો મુદ્દો ઉઠાવીને કહ્યું હતું કે, કોંગ્રેસની
સરકારે ક્યારેય ઓબીસી ઉપર ધ્યાન આપ્યું નથી પણ હવે 20-25 ચૂંટણી હારી ગયા બાદ ઓબીસી
યાદ આવ્યા છે અને તેઓનું હિત ઈચ્છતા હોવાનું નાટક કરે છે. 1947થી 2014 સુધી ઓબીસીનો વિરોધ કરવામાં
આવ્યો છે, પણ ભાજપે ઓબીસીને પીએમ બનાવ્યા છે. શાહે કહ્યું હતું કે, પાંચ
વખત કોંગ્રેસે મહિલા અનામત બિલને પસાર થવા દીધું નથી. હવે તેઓ ચૂંટણીમાં જશે તો માતાઓ
અને બહેનોના આક્રોશનો સામનો કરશે. ભાજપે મહિલા સશક્તિકરણનું પાલન કર્યું છે. આ સાથે
શાહે સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી, વસુંધરા
રાજે, આનંદીબેન પટેલ વગેરેનાં નામ ગણાવ્યાં હતાં અને કહ્યું હતું
કે, આ તમામ પોતાના રાજ્યમાં પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યાં છે.
એક આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુને મહામહિમ દ્રૌપદી મુર્મુ બનાવ્યાં છે. વિપક્ષ સારું-ખરાબ
વિચાર્યા વિના નરેન્દ્ર મોદી જે કરે છે તેનો વિરોધ કરે છે. શાહે સીમાંકન મુદ્દે સમજાવતાં
કહ્યું હતું કે, પ્રતિનિધિઓની સામે આબાદીનું સંતુલન નથી. ક્યાંક
40 લાખની આબાદી ઉપર એક નેતા છે
તો ક્યાંક 20 લાખ ઉપર એક નેતા છે. તેવામાં
સીમાંકન થતાં નેતાઓની સંખ્યા વધશે અને કામગીરીનું ભારણ પણ ઓછું થશે. આ દરમિયાન સંસદીય
કાર્યમંત્રી કિરેન રિજિજુએ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે, દેશની 140 કરોડ આબાદીએ વડાપ્રધાન બનાવ્યા
છે. વિપક્ષના નેતાને આવી ભાષા શોભા દેતી નથી. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાહુલની નિંદા
કરી હતી અને કહ્યું હતું કે, રાહુલ
કોઈ વ્યકિતનું અપમાન કરી શકે નહીં, તેઓ દેશની જનતાનું અપમાન કરી
રહ્યા છે.