ગાંધીધામ, તા. 17 : ગળપાદર નજીક શાંતિધામ વિસ્તારમાં
રહેનાર બે બાળકની માતાને લગ્ન કરવાનું કહી એક શખ્સ તેને હોટેલમાં લઈ જઈ મહિલા પાસેથી
રૂા. 1,83,300ના દાગીના, રોકડ રકમ, મોબાઈલ લઈ જઈ
છેતરપિંડી કરીને નાસી ગયો હતો. શાંતિધામ વિસ્તારમાં રહેનાર બે બાળકની માતા એવી ભોગ
બનનાર મહિલાનો સોશિયલ મીડિયા ફેસબુક થકી રાજસ્થાનના હર્ષ શર્મા નામના શખ્સ સાથે સંપર્ક
થયો હતો. બંને વચ્ચે વાતો થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. દરમ્યાન આ શખ્સે મહિલાને
લગ્નની લાલચ આપી હતી અને તા. 14/4ના પોતે ગાંધીધામ આવતો હોવાનું તથા દાગીના અને રોકડા રૂપિયા
લઈને તૈયાર રહેજે તેમ કહ્યું હતું, જેથી મહિલાએ ઘરમાંથી દાગીના ઉસેડી, રોકડ રકમ લઈ તેને
મળવા ગાંધીધામ આવી હતી. આ શખ્સ સાથે તેનો મિત્ર પણ હતો. બાદમાં આ ત્રણેય ગોકુલ હોટલમાં
રોકાયા હતા, જ્યાં આરોપી મહિલાના રૂમમાં જઈ તારાથી દાગીના સચવાશે
નહીં તેમ કહી પોતાની પાસે રાખી લીધા હતા. બીજા દિવસે સવારે મહિલા પાસે જઈ મોબાઈલમાંથી
સીમકાર્ડ કાઢી નાખવા હું દુકાને જઈ સેટિંગ કરી આવું તથા બસની પૂછતાછ કરી આવું તેમ કહી
દાગીના, રોકડ રકમ અને મોબાઈલ લઈને આ શખ્સ છૂ થઈ ગયો હતો. બે કલાક
બાદ તે પરત ન આવતાં મહિલા નીચે આવતાં આ બંને શખ્સે ચેકઆઉટ કરી નાખ્યું હોવાનું બહાર
આવ્યું હતું તથા આરોપીએ પોતાનું નામ હોટેલમાં રાકેશ સત્યનારાયણ લખાવ્યું હોવાનું બહાર
આવ્યું હતું. રૂા. 1,83,000ની
આ છેતરપિંડી અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.