• શનિવાર, 18 એપ્રિલ, 2026

મધરાત્રે મહિલા અનામત કાયદો અમલી

નવી દિલ્હી, તા. 17 : કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદો એટલે `નારી શક્તિ વંદન અધિનિયમ-2023'ને 16 એપ્રિલની મધ્યરાત્રિથી જ દેશભરમાં લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં ગઈકાલથી તેના સંશોધન પર ત્રિદિવસીય ચર્ચા શરૂ થઈ છે. આ વચ્ચે અડધી રાત્રે મૂળ કાયદાને લાગુ કરવાનું નોટિફિકેશન બહાર પડાયું હતું. સરકારના આ પગલાંનો અર્થ એ થયો કે, મહિલા અનામત અંગે જે કાયદામાં સંશોધન પર ચર્ચા કરવામાં આવતી હતી તે વાસ્તવમાં લાગુ જ થયો ન હતો. સરકારી અધિકારીઓ અનુસાર, કાયદામાં સંશોધન ત્યારે જ લાગુ થઈ શકે જ્યારે તે અમલી બની ચૂક્યો હોય. અચાનક સરકારી નોટિફિકેશનનું આ જ કારણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, કાયદો લાગુ થવા છતાં પણ સંસદ અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત તુરંત મળી શકશે નહીં. 2023ના કાયદા મુજબ તે 2027ની વસતી ગણતરી અને તેના આધારે થનારા સીમાંકન બાદ જ લાગુ કરવામાં આવશે. દરમ્યાન, વિરોધપક્ષો આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતાં સંસદમાં સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે 2023નો કાયદો જ અમલી ન હતો તો તેમાં સંશોધનનો ખરડો શા માટે લાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, આ નોટિફિકેશન રાત્રે આશરે 10 વાગ્યે બહાર પડયું હતું. જ્યારે તેના પહેલાં જ સંશોધન બિલ રજૂ કરી તેના પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી. બીજી તરફ, કેન્દ્ર સરકારે આજે મહિલા અનામત અધિનિયમ-2023ના અમલીકરણને નોટિફાઈયડ કર્યું હતું જે વિધાનસભાઓ, જમ્મુ-કાશ્મીર અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલાઓ માટે 33 ટકા ક્વોટા પૂરો પાડે છે. મંત્રાલયે આ કાયદાને લાગુ કરતાં કેન્દ્રશાસિત પ્રદેશો માટે વધુ એક જાહેરનામું બહાર પાડયું હતું. 

Panchang

dd