ભુજ, તા. 17 : ગુજરાત કોમન એડમિશન સર્વિસ
પોર્ટલમાં પ્રવર્તતી ખામીઓ દૂર કરવા અને ખાનગી યુનિવર્સિટીઓને આ પોર્ટલ અંતર્ગત લાવવાની
માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે
એબીવીપી પશ્ચિમ કચ્છ જિલ્લા દ્વારા કચ્છ યુનિવર્સિટીના મુખ્ય દ્વાર પાસે વિરોધ પ્રદર્શન
કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ
એ હાથ પર કાળી પટ્ટી બાંધી સરકારની શિક્ષણ નીતિ અને GCAS પોર્ટલની ખામીઓ સામે રોષ પ્રગટ
કર્યો હતો. એબીપીપીનો આરોપ છે કે પોર્ટલમાં વારંવાર સર્વર ડાઉન થવા જેવી ટેકનિકલ ખામીઓ
અને લાંબી ચાલેલી પ્રવેશ પ્રક્રિયાને કારણે વિદ્યાર્થીઓનો સમય અને કારકિર્દી જોખમમાં
મુકાઈ રહ્યા છે. મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન
બાદ એબીવીપીના પ્રતિનિધિમંડળે કલેક્ટર કચેરીએ સુપરત કર્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં
પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, યુનિવર્સિટી અધ્યક્ષ મહીપાલસિંહ જાડેજા, પ્રદેશ કારોબારી
સદસ્ય વિજયસિંહ સોઢા, યથાર્થ ગણાત્રા, ભુજ
નગર મંત્રી ભરત ગઢવી, સહમંત્રી જુવાનસિંહ સોઢા, કુંજલબેન બરાડીયા, ખુશીબેન આહિર સહિતના જોડાયા હતા.