ભુજ, તા. 17 : શહેરના કેમ્પ વિસ્તારમાં બે
માસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપીઓને ભુજ શહેર એ-ડિવિઝન
પોલીસે ઝડપી પાડી તસ્કરીમાં ગયેલો મુદ્દામાલ કબજે કરવા સાથે ચોરી અંગે નોંધાયેલા ગુનાનો
ભેદ ઉકેલ્યો હતો. બાદમાં ત્રણેય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાતાં અદાલતે તેમને જ્યુડિશિયલ
કસ્ટડીમાં પાલારા જેલ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે આપેલી વિગતો મુજબ, પૂર્વ બાતમી અને ટેકનિકલ તેમજ માનવીય સંદર્ભોની
મદદથી હાથ ધરાયેલી કાર્યવાહીમાં કેમ્પ વિસ્તારમાં આવેલા ઘરમાંથી સોનાના દાગીના ચોરી
કરનારી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતી મહિલા આરોપીઓ જાનકી પ્રદીપભાઈ ચાવડા, કુસુમ નારણભાઈ વરસાણી અને મુમતાઝ ઉર્ફે રજિયા લિયાકત ઉન્નડ (તમામ રહે. ભુજ)ને
પોલીસે ઝડપી પાડી હતી. પકડાયેલી મહિલાઓ પાસેથી પોલીસે 74.740 ગ્રામની સોનાની લગડી કિં. રૂા.
8,24,000 તેમજ રોકડા રૂા. 51,000 મળી કુલ રૂા. 8,75,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
આ કાર્યવાહીમાં પીઆઈ એ.એમ. હેરમાની રાહબરી હેઠળ પીએસઆઈ એમ.એચ. પટેલ, પીએસઆઈ ઝેડ.એમ. મલેક, એએસઆઈ દિલીપસિંહ સિંધવ, હેડ કોન્સ. અરવિંદભાઈ વણકર,
નરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ માજીરાણા,
મુકેશકુમાર પટ્ટણી, મહાવીરસિંહ જાડેજા,
પ્રકાશભાઈ ઠાકોર, લાલજીભાઈ મકવાણા તથા કોન્સ. શ્યામ
ગઢવી અને નાનુભાઈ કરમટા સહિતનો બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ જોડાયો હતો.