મુંબઈ, તા. 28 : એક દુ:ખદ ઘટનાક્રમમાં આજે સવારે
મહારાષ્ટ્રનાં બારામતી એરપોર્ટ નજીક એક વિમાન તૂટી પડતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી
અને એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર સહિત પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. મહારાષ્ટ્રનાં
રાજકારણમાં દાદા તરીકે લોકપ્રિય એવા અજિત પવારનાં અણધાર્યાં અને આઘાતજનક નિધનને લીધે
ભાજપના નેતૃત્વ હેઠળની યુતિ સરકારમાં પણ મોટો અવકાશ સર્જાયો છે તેમ તેમના વડપણ હેઠળની
એનસીપીના ભાવિ સામે પણ અનિશ્ચિતતા ફેલાઈ છે. આવતીકાલે તેમનાં વતન કાટેવાડીમાં તેમની
અંતિમવિધિ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દેશભરના રાજકારણીઓ તેમજ હસ્તીઓએ અજિત પવારને
અંજલિ આપી હતી. તેમના કાકા અને એનસીપીના સ્થાપક શરદ પવારે જણાવ્યું હતું કે,
આ એક અકસ્માત છે અને તેનાં પર રાજકારણ થવું જોઈએ નહીં. જિલ્લા પંચાયતની
ચૂંટણીના પ્રચાર માટે પૂણે જિલ્લામાં ચાર સભા સંબોધવા માટે મુંબઈથી લિયરજેટ નામનાં વિમાનમાં રવાના થયા હતા,
પણ ઊતરાણ વખતે વિમાન તૂટી પડતાં પવાર ઉપરાંત કેપ્ટન સુમિત કપૂર,
કોપાઈલટ સંભવી પાઠક, પવારના અંગત સચિવ વિદિપ જાધવ
અને ફ્લાઈટ એટેન્ડેન્ટ પિન્કી માલીનાં મૃત્યુ થયાં હતાં. એક અધિકારીના જણાવ્યા અનુસાર બ્લેક બોક્સની તપાસ
કરવામાં આવશે. અજિત પવારની અંતિમવિધિ આવતી કાલે બારામતીમાં પૂરા રાજકીય સન્માન સાથે
થશે. તેમની અંતિમવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહ
ઉપસ્થિત રહે એવી શક્યતા છે. તેમના માનમાં મહારાષ્ટ્રમાં 28મીથી 30 જાન્યુઆરી સુધી ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે. બુધવારે
રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી હતી. અજિત પવારની અંતિમવિધિ આવતીકાલે સવારે 11 વાગ્યે પૂણે જિલ્લામાં બારામતી
ખાતે વિદ્યાપ્રતિષ્ઠાનમાં રાજકીય સન્માન સાથે થશે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2023માં અજિત પવારે તેમના કાકા
અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારના રાજકીય પ્રભાવની અસરમાંથી બહાર આવીને
બળવો કર્યો હતો અને બાદમાં એકનાથ શિંદેની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. - હું નાયબ
સીએમ સાથે જઈ રહી છું : પિન્કીના છેલ્લા શબ્દો : મુંબઈ, તા. 28 : શિવકુમાર માળીએ કહ્યું કે એમની
દીકરીએ આવતી કાલે વાત કરવાનું વચન આપ્યું હતું, પણ એ ક્ષણ ફરી કયારેય નહીં આવે. બારામતીમાં વિમાન અકસ્માતમાં નાયબ મુખ્ય પ્રધાન
સાથે એમની દીકરી પિન્કી માળી પણ મૃત્યુ પામી હતી. પ્રભાદેવીમાં રહેતા શિવકુમારે દીકરી
સાથે થયેલી છેલ્લી ફોન પરની વાતચીતને યાદ કરતાં કહ્યું કે પપ્પા, હું બુધવારે નાયબ મુખ્ય પ્રધાન સાથે બારામતી જઈ રહી છું. એમને ત્યાં પહોંચાડયા
બાદ નાંદેડ જઈશ. ત્યાં હોટેલમાં પહોંચીને તમને ફોન કરીશ. - કાંડા ઘડિયાળના
આધારે મૃતદેહની ઓળખ કરાઈ : મુંબઈ, તા. 28 (પીટીઆઈ): બારામતીમાં થયેલા વિમાન અકસ્માતમાં સવાર તમામ પાંચેય
વ્યક્તિઓના મૃતદેહની ઓળખ કરવી બહુ જ કઠિન હતું. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે વિમાન
આગને કારણે સંપૂર્ણપણે નષ્ટ થયું હતું. પરિણામે તમામની ઓળખ એમના પહેરવેશના આધારે કરવામાં
આવી હતી. અજિત પવારની ઓળખ એમણે પહેરેલી કાંડાઘડિયાળ તથા પહેરવેશના આધારે કરવામાં આવી
હતી. તો અન્ય ચારેય પ્રવાસીઓના શરીરની ઓળખ એમણે પહેરેલા પોશાકને આધારે કરાઈ હતી. પવાર
સાથે એમના અંગત સિક્યોરિટી અૉફિસર વિદિપ જાધવ, પાઇલટ કૅપ્ટન સંભવી પાઠક, પાઇલટ કૅપ્ટન સુમીત કપૂર અને
ફ્લાઇટ અટેન્ડન્ટ પિન્કી માલી હતાં.