• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

ચોથી ટી-20માં કિવીઝનો 50 રને વિજય

વિશાખાપટ્ટનમ તા.28 : શિવમ દૂબેની 23 દડામાં 7 છગ્ગાથી 6પ રનની વિસ્ફોટક ઇનિંગ્સ છતાં ચોથી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાની ન્યુઝીલેન્ડ સામે પ0રને હાર થઇ હતી. શિવમે ફકત 1પ દડામાં અર્ધસદી ફટકારી રન તાંડવ સર્જ્યું હતું પણ તે અણીના સમયે ફોલો થ્રુમાં કમનસીબે રન આઉટ થયો હતો. આથી કિવિઝે બાજી મારી લીધી હતી.  ન્યુઝીલેન્ડના 7 વિકેટે 21પ રનના જવાબમાં ભારતીય ટીમ 18.4 ઓવરમાં 16પ રને ઓલઆઉટ થઇ હતી. આથી પ મેચની શ્રેણીમાં ભારતની સરસાઇ ઘટીને હવે 1-3 થઇ છે. અંતિમ મેચ રવિવારે રમાશે.  216 રનના વિજય લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. 82 રનમાં પ વિકેટ પડી ગયા પછી અચાનક જ શિવમ દૂબેએ વિસ્ફોટક રૂપ ધારણ કરીને ઇનિંગ્સની 12મી ઇશ સોઢીની  ઓવરમાં 29 રન ઝૂડીને મેચ રોચક બનાવી દીધો હતો. તેણે 1પ દડામાં અર્ધસદી કરી હતી. તેના રન આઉટ થયા પછી ભારતીય ટીમ 16પ રને ઓલઆઉટ થઇ હતી. કિવિઝ તરફથી સેંટનરે 3 વિકેટ લીધી હતી. ઇનિંગ્સના પહેલા દડે જ બિગ હિટર અભિષેક શર્મા ગોલ્ડન ડક થયો હતો. આ પછી કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ મોટી ઇનિંગ્સ રમી શકયો ન હતો અને 8 રને પાછો ફર્યો હતો. સેમસન અને રિંકુ સિંહે પાવર પ્લેમાં ભારતનો સ્કોર 2 વિકેટે પ3 રને પહોંચાડયો હતો. સ્થિર થયા બાદ સંજૂ સેમસન 24 રને કિવિઝ કેપ્ટન સેંટનરના ગૂગલીમાં કલીન બોલ્ડ થયો હતો. જયારે હાર્દિક પંડયા (2) આવ્યો એવો ગયો હતો. રિંકુ સિંહ 30 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 39 રન આઉટ થયો હતો. આથી ભારતીય ટીમ દબાણમાં આવી ગઇ હતી. આ પહેલાં ન્યુઝીલેન્ડના દાવની શરૂઆત અને અંત ધૂંઆધાર રહ્યા હતા. આથી કિવિઝ ટીમના 7 વિકેટે 21પ રન થયા હતા. ટિમ સાઇફર્ટે પહેલા દડાથી જ પાવર હિટિંગ કર્યું હતું. બાદમાં ડવેન કોન્વેએ પણ ખભા ઉંચકી આક્રમક ગતિએ બેટિંગ કર્યું હતું. આથી પાવર પ્લેની 6 ઓવરમાં કિવિઝ ટીમે વિના વિકેટે 71 રન કરીને ભારતની બોલિંગ લાઇન અપને દબાણમાં લાવી દીધી હતી. સાઇફર્ટ-કોન્વે વચ્ચે પહેલી વિકેટમાં ફકત પ0 દડામાં 100 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. કોન્વે 23 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાથી 44 રને અને સાઇફર્ટ 36 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાથી 62 રને આઉટ થયા હતા. આ પછી ન્યુઝીલેન્ડની રન રફતાર ધીમી પડી ગઇ હતી.  મીડલ ઓવરમાં કિવિઝ ટીમે રચીન રવીન્દ્ર (2), ગ્લેન ફિલિપ (24), માર્ક ચેપમેન (9), કપ્તાન મિચેલ સેંટનર (11)ની સમયાંતરે વિકેટ ગુમાવી હતી. અંતમાં ડેરિલ મિચેલે ફિનિશરનો રોલ બખૂબી નિભાવીની 18 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 39 રનની આતશી અણનમ ઇનિંગ રમીને ન્યુઝીલેન્ડનો સ્કોર 20 ઓવરના અંતે 7 વિકેટે 21પ રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડયો હતો. ભારત તરફથી અર્શદીપ અને કુલદીપે 2-2 વિકેટ લીધી હતી. બુમરાહ અને બિશ્નોઇને 1-1 વિકેટ મળી હતી. ભારતીય ઇલેવનમાં ઇશાન કિશનને સ્થાને અર્શદીપનો સમાવેશ થયો હતો. કિશનને ફિટનેસ સમસ્યા હતી. 

Panchang

dd