• ગુરુવાર, 29 જાન્યુઆરી, 2026

ભુજ : સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ : 58 હજારનો દંડ

ભુજ, તા. 28 : સાડા ત્રણ -પોણા ચાર વર્ષ પૂર્વે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનારા આરોપી અખિલેશ ગુરુચરણ શર્મા (રહે. મૂળ ઉત્તરપ્રદેશ, હાલે નવી દિલ્હી)ને 20 વર્ષની સખત કેદ તથા 58 હજારના દંડની સજા ફટકારતો ધાક બેસાડતો ચુકાદો ભુજ-કચ્છની સ્પે. પોક્સો અદાલતે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ આરોપી અખિલેશ શર્મા ભુજ આવતાં બે માસ માટે ફરિયાદીના ઘરે રોકાયો હતો. તે દરમ્યાન ફરિયાદીની 14 વર્ષની સગીર બહેન સાથે આરોપીએ રાત્રિના ભાગે ધાકધમકી આપી બળજબરીથી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવા ધમકી આપતાં  કોઈને જાણ કરી ન હતી. આ બાદ આરોપી અખિલેશે ભોગ બનનારને લગ્નની લાલચ આપી દિલ્હી ખાતે પોતાની સાથે રહેવા જણાવતાં તે સહમત થઈ જતાં તેને લલચાવી-ફોસલાવી તા. 7/5/2022ના મુખ્ય આરોપીએ સહઆરોપી દ્વારા સગીરાનું અપહરણ કરાવી દિલ્હી લઈ ગયા હતા. જ્યાં પણ ભોગ બનનારની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યાની વિગતો સાથેની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી. તપાસના અંતે પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસ સ્પે. પોક્સો અદાલતના જજ જે.એ. ઠક્કર સમક્ષ ચાલી જતાં ફરિયાદ પક્ષે 23 દસ્તાવેજી પુરાવા તથા 12 સાક્ષી તપાસી આરોપી અખિલેશને વિવિધ કલમો તળે તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા કુલ દંડ રૂા. 58 હજાર જે ભોગ  બનનારને વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ ઉપરાંત ભોગ બનનારને રૂા. ચાર લાખનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.એ.ને ભલામણ કરવા હુકમ કરી  સી.ડબલ્યુ.સી. તથા ડી.સી.પી.યુ.ને ભોગ બનનારનો સંપર્ક કરી તેનું જીવન તથા શિક્ષણ સારી રીતે પુન: સ્થાપિત થાય તેની કાળજી લઈ યોગ્ય માર્ગદર્શન આપવા આદેશ કર્યો છ.ઁ ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd