ભુજ, તા. 28 : ગઇકાલે સાંજે માંડવીમાં યુવાન
ઉપર કૌટુંબિક કાકાઇ ભાઇ તથા તેના મામા દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી રૂકમાવતીના
નદી પટમાં બોલાવી જાનથી મારી નાખવાના ઇરાદે ધોકા વડે જીવલેણ હુમલો કરી ફ્રેકચર અને
હેમરેજ જેવી ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઇ છે. મૂળ કલવાણ રોડ વાડીવિસ્તાર, માંડવી હાલ સીસલ્સ, દક્ષિણ
આફ્રિકા રહેતા શિવજીભાઇ માવજીભાઇ ભુડિયા (પટેલ)એ આજે માંડવી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ
મુજબ તે છેલ્લા છ વર્ષથી સીસલ્સમાં નોકરી કરે છે અને ગળામાં ચાંદા પડયા હોવાથી દશ દિવસથી
માંડવી આવ્યા હતા. ગઇકાલે તેના કૌટુંબિક કાકાઇ ભાઇ નિમેશ નારણ ભુડિયાનો ફોન આવ્યો હતો
અને જણાવ્યું કે, તું માંડવી છો તો દશ દાબેલી લઇ રૂકમાવતી નદી
પટમાં આવી જા અને બાયપાસ રોડ પર મારા મામા સુરેશ હીરાણી ઊભા છે તેને સાથે લેતો આવ.
આથી દાબેલી લઇ એક્ટિવા પાછળ સુરેશભાઇને બેસાડી રૂકમાવતી નદી પટ, હનુમાન મંદિરની બાજુ પહોંચ્યા બાદ
નિમેશ પણ એક્ટિવામાં પાછળ બેસી ગયા બાદ સુરેશે ફરિયાદીનું પાછળથી ગળું દબાવતાં
એક્ટિવા ઊભી રાખી દીધી હતી. નિમેશે જાનથી મારી નાખવાના ઇરાદે માથાંમાં તથા કાનના ભાગે
ધોકા ફટકાર્યા હતા અને કહ્યું કે, તું સીસલ્સથી અહીં કેમ આવ્યો
? મને જરાય ગમ્યું નથી. અન્ય લોકો આવી જતાં નિમેશ અને સુરેશ ભાગી ગયા
હતા. ફરિયાદીને હેમરેજ અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતાં હાલ સારવાર તળે છે. પોલીસે
હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.