ગાંધીધામ, તા. 28 : પૂર્વ કચ્છના ભચાઉ સામખિયાળી, ગાંધીધામ, આદિપુર,
રામબાગ, મેઘપર તથા અંજાર પેટા વિભાગીય કચેરીઓના
વિસ્તારમાં વીજતંત્ર દ્વારા બાકીદારો સામે
કાર્યવાહી શરૂ કરી છે. આજે સેંકડો જોડાણ કાપવામાં આવ્યા હતા. મળતી વિગતો વીજતંત્રની
બહારની 42 અને સ્થાનિક 51 સહિત 93 ટીમ દ્વારા 648 વીજ કનેક્શન કાપવામાં આવ્યા
હતા અને 2.26 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં
આવ્યું હતું. મેગા વીજ કનેક્શન ડ્રાઈવ હેઠળ ઉદ્યોગો તથા કોમર્શિયલ વીજ જોડાણ ઉપર કાર્યવાહી
કરવામાં આવી છે. લાંબા સમયથી વીજબિલ ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે કાર્યવાહી થઈ છે. જે
ગ્રાહકોના વીજ કનેક્શનો કાપવામાં આવ્યા છે, તેમણે કેવાયસી માટે મિલકત આધાર-પુરાવા તથા ભરવાપાત્ર સિક્યુરિટી ડિપોઝિટ તેમજ
રિ-કનેક્શન ચાર્જ ભરવામાં આવશે તે પછી જ પુન: વીજજોડાણ આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
આગામી દિવસોમાં ખેતીવાડી તથા રહેણાક વીજ જોડાણો કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ
ઉપરાંત 30 જાન્યુઆરીના ભુજ વર્તુળ કચેરી
ખાતે ડ્રાઇવ યોજાવાની છે, જેમાં ભુજ
ગ્રામીણ કુકમા તથા ભુજોડી પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થઈ રહ્યો છે, જે ગ્રાહકોએ વીજ જોડાણ કાપવાથી બચવા માટે તાત્કાલિક વીજ બિલના લેણા ભરી દેવા
વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. ઔદ્યોગિક વીજ જોડાણો ઉપર કાર્યવાહીથી ફાફડાટ
ફેલાયો છે. આગામી સમયમાં ખેતીવાડી અને રહેણાક ઉપર થશે તેવું તંત્ર કહી રહ્યું છે.