• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ભારતના દીવડાનો પ્રકાશ જગતભરમાં રેલાશે

`દિવાળી હવે અમૂર્ત વૈશ્વિક વારસો.બુધવારે જાહેર થયેલા આ સમાચારે આખાં વિશ્વમાં વસતા ભારતીયો માટે માગશર માસમાં પણ દિવાળી જેવા ઉત્સાહનો સંચાર કર્યો છે. કાલિદાસે કહ્યું હતું, `ઋક્ષઠ્ઠજીર્ખ્રમ્: ચઘ્વ્ હ્ણહ્નર્ઝ્રમ્:' મનુષ્યો ઉત્સવપ્રિય હોય છે. ભારતના લોકો માટે આ સો ટચનું સત્ય છે. જીવનની રોજિંદી ઘટમાળ, ક્યાંક વિટંબણા, ક્યાંક વ્યથામાંથી પણ સમય કાઢીને પ્રજા ઉત્સવ મનાવી લે છે. પ્રત્યેક પ્રાંતને, પ્રત્યેક સમાજને પોતાના ઉત્સવ છે. દિવાળી એવો તહેવાર છે જેને સમગ્ર દેશ એકસાથે, એક ઉત્સાહથી ઊજવે છે. આ પર્વ સાથે ધાર્મિક, સામાજિક, આર્થિક અનેક પરિબળ-સંદર્ભ જોડાયેલાં છે, પરોક્ષ રીતે આ બધું હવે વૈશ્વિક બન્યું છે. `બહુરત્ના વસુંધરા' ભારતના જેટલા વિશેષ છે તે પૈકી એક એ પણ છે કે, અહીં મોટા ભાગના તહેવારોને ધર્મનો આશ્રય છે, તો સાથે તે ઋતુગત પણ છે. કૃષિ-પશુપાલન અહીં વર્ષો સુધી મુખ્ય વ્યવસાયો રહ્યા, વિવિધ પ્રાંતે ઊજવાતા પર્વોમાં પણ આ બધી બાબતોનું પ્રભુત્વ રહ્યું. મહિલાઓના વ્રતના સમયને આબોહવા- વાતાવરણ સાથે પણ સંબંધ છે અને તેમના વયના તબક્કા સાથે પણ તે જોડાયેલાં છે. અષાઢી બીજ કે ભીમ અગિયારસ, મકરસંક્રાંતિ કે હોળી-ધુળેટી જેવા તમામ તહેવારના મૂળ આપણી સામાજિક પરંપરામાં પણ છે, જેની સાથે ધાર્મિક કથા-કિંવદંતીઓ તાણાવાણાની જેમ જોડાઈ ગઈ. અલગ અલગ સંસ્કૃતિ-પરંપરા અને પ્રાંતમાં તેનું મહત્ત્વ છે. ગુજરાતમાં નવરાત્રિ અને બંગાળમાં દુર્ગાપૂજા, મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ, ઉત્તરપ્રદેશમાં કાવડયાત્રા... હવે જો કે, એકમાંથી અન્ય પ્રાંતમાં આ તહેવારો સાંસ્કૃતિક ઉપરાંત સામાજિક પરિવેશમાં જઈ રહ્યા છે. દિવાળી સમગ્ર દેશમાં સમાન ઉત્સાહથી ઊજવાય છે. દીપનું, અજવાસનું પર્વ ગણાતો આ ઉત્સવ હવે વિશ્વસ્તરે અમૂર્ત વારસામાં છે તેવી ઘોષણા યુનેસ્કોએ કરી છે. આ કોઈ સામાન્ય વાત નથી. દિવાળી માતા લક્ષ્મીનો પ્રાગટય દિવસ છે.  દિવાળીની સાથે પ્રભુ રામના અયોધ્યા પુનરાગમનની કથા જોડાયેલી છે. આ કથા એટલે અસૂરો ઉપર દૈવી તત્ત્વનો વિજય. આ કથા એટલે મૂલ્યો, સંસ્કારની સ્થાપના, આ કથા એટલે સત્ય, સત્વનો સમન્વય. દિવાળી રામરાજ્યનું પર્વ છે. આ પર્વનો વૈશ્વિક સ્વીકાર એટલે પરોક્ષ રીતે આ તમામ મૂલ્યોનું પણ અનુમોદન.  અંધારાંનો વિલય, દીપ પ્રાગટય થકી સર્વત્ર અજવાસ, જીવનની મીઠાશનું પ્રતીક એવા મિષ્ટાન્ન, જીવનની સર્જનાત્મકતા અને રંગોના પ્રતીક સમાન રંગોળી એવી અનેક બાબતો, વિશેષત: નવોન્મેષ આ દિવાળીનું હાર્દ છે. ભારતની સદીઓ જૂની પરંપરાના એ દિવસો, પર્વશૃંખલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું તેમ દિવાળી ભારતનો આત્મા છે. આ ઉત્સવ હવે વૈશ્વિક વિરાસત છે. રામના મૂલ્યો-સંસ્કાર અને લક્ષ્મીનું માહાત્મ્ય પણ આમ જોઈએ તો વૈશ્વિક જ છે. યુનેસ્કોએ તેના ઉપર આધુનિક સમયમાં મહોર મારી છે.

Panchang

dd