• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

કંડલા કાસેઝમાં સોપારી કૌભાંડ પ્રકરણે ઉચ્ચ સ્તરે લેખિત રજૂઆત

ગાંધીધામ, તા. 20 : અહીંના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલા એક વેરહાઉસમાંના પરિસરમાંથી મોટી માત્રામાં સોપારીનો શંકાસ્પદ જથ્થો મળી આવતાં વહીવટી અને કસ્ટમ વર્તુળોમાં ભારે ચકચાર પ્રસરી હતી. માન્ય આયાતી દસ્તાવેજો, બિલ ઓફ એન્ટ્રી કે સેઝ નિયમો, કસ્ટમ એક્ટ હેઠળ યોગ્ય પૂર્વ મંજૂરી વિના જ આટલી મોટી માત્રામાં સોપારીનો જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું બહાર આવ્યું છે, જે અંગે ઉચ્ચ સ્તરે લેખિતમાં ઇ-મેઇલ દ્વારા રજૂઆત કરાઇ હોવાનું બહાર આવ્યું છે.આ પ્રકરણમાં કાસેઝના વેરહાઉસિંગનાં નામે બિનઅધિકૃત સંગ્રહ, ડાવર્ઝન અને સોપારીની ગેરકાયદે દાણચોરી તરફ સંકેત હોવાનું બહાર આવ્યું છે. આ બાબતને ગંભીરતાથી લઇને ડી.આર.આઇ., વાણિજ્ય મંત્રાલય, કાસેઝ, સી.બી.આઇ., ઇ.ડી.,પી.એમ.ઓ. સુધી લેખિત ફરિયાદ કરી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે. આ ફરિયાદમાં એવો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે કે આ યુનિટ કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને આયાતી માલ-સામાનને ગેરકાયદે ફેરબદલ કરવાની પદ્ધતિમાં સામેલ રહ્યું છે, જેને પ્રોત્સાહન કે રક્ષણ આપવા માટે સ્થાનિક પ્રભાવો, અમુક કસ્ટમ અધિકારીઓની મિલીભગતની શંકા સેવાઇ છે. યુનિટધારક પાસે લેટર ઓફ એપ્રુવલ, સેઝ રૂલ્સ 2006 હેઠળ આ કાર્ગો વેરહાઉસમાં રાખવાની કાયદેસરની પરવાનગી છે કે કેમ ? તેની ખાતરી કરીને પરવાનગી ન હોય તો તાત્કાલિક અસરથી એમ.ઓ.યુ. રદ અથવા સ્થગિત કરવા, ભારે પેનલ્ટી ફટકારવાની માંગ કરાઇ છે. આ વિવાદમાં એક પૂર્વ કર્મચારીની સંડોવણી હોવાનો પણ દાવો કરાયો છે. જેને ભૂતકાળમાં સોપારીની ગેરકાયદે દાણચોરીના આરોપોના કારણે મુદત પૂરી થાય તે પહેલાં મૂળ વિભાગમાં મોકલાવ્યા હોવાનો દાવો કરાયો હતો. આ પ્રકરણમાં માસ્ટર માઇન્ડ તેને જ દર્શાવાયા હતા. આ બનાવમાં કાયદેસરની કાર્યવાહીથી બચવા પ્રયાસો થઇ રહ્યા છે. ડી.આર.આઇ. સોપારીની મૂળ માલિકીની તપાસ, વેરહાઉસના સી.સી.ટી.વી. ફૂટેજ, ગેટ રજિસ્ટર ચકાસવા તથા કસ્ટમ એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd