મુંબઇ, તા. 20 : ટાટા સન્સના અધ્યક્ષપદે એન.
ચંદ્રશેખરનની નિમણૂક મામલે બોર્ડ અને ટાટા ટ્રસ્ટ વચ્ચે વિવાદ ઘેરો બન્યો છે. ટાટા
ટ્રસ્ટ્સે ટાટા સન્સ બોર્ડ દ્વારા એન. ચંદ્રશેખરનની ચેરમેન તરીકે પુન:નિયુક્તિને ગેરકાયદેસર
ગણાવી બોર્ડના નિર્ણયને નકારી કાઢ્યો છે. ટાટા ટ્રસ્ટ્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે
બોર્ડ માટિંગમાં 4:1 મતનો કોઈ
કાનૂની અર્થ નથી, કારણ કે કંપનીના
નિયમ મુજબ ચેરમેનની નિમણૂક માટે ટ્રસ્ટના નોમિની ડિરેક્ટર્સની સંમતિ જરૂરી છે,
જે પૂર્ણ થઇ નથી. ટાટા સન્સ
બોર્ડે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવાનો ઠરાવ
પસાર કર્યો હતો, પરંતુ કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર, ટાટા ટ્રસ્ટ્સે આ નિર્ણયને કાયદેસર રીતે રદબાતલ જાહેર કર્યો છે. રવિવારે જારી
કરાયેલા એક નિવેદનમાં, ટાટા ટ્રસ્ટ્સે જણાવ્યું હતું કે,
કંપનીના નિયમો મુજબ, ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત
ડિરેક્ટરોનો સકારાત્મક ટેકો બોર્ડને કોઈપણ નિર્ણય માટે આપવામાં આવ્યો ન હતો. ટ્રસ્ટોએ
બોર્ડના `કાસ્ટિંગ
વોટ'ની દલીલને પણ ફગાવી દેતાં, એવી દલીલ કરી કે જ્યારે નિયમો સ્પષ્ટ હોય, ત્યારે તેને
મડાગાંઠ ગણી શકાય નહીં. ટાટા ટ્રસ્ટ્સ દલીલ કરે છે કે ચેરમેનનો કાસ્ટિંગ વોટ ફક્ત ત્યારે
જ લાગુ પડે છે જ્યારે બોર્ડમાં સમાનતા હોય. આ ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત ડિરેક્ટરોને
લાગુ પડતું નથી. મતનું પરિણામ 4:1 હતું કે અન્ય કોઈ આંકડો, તે માન્ય નથી. ટાટા ટ્રસ્ટ્સે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે
ટાટા સન્સના બોર્ડમાં ટાટા ટ્રસ્ટ્સના બે નામાંકિત સભ્યો છે. કોઇપણ પ્રસ્તાવ માટે બંનેની
બહુમતી જરૂરી છે, એકની નહીં. ચેરમેનના પ્રસ્તાવમાં એક ડિરેક્ટરે
દરખાસ્તની વિરુદ્ધ મતદાન કર્યું હતું, અને તેથી, સંગઠનના નિયમો દ્વારા જરૂરી મુજબ ટાટા ટ્રસ્ટ્સના નામાંકિત ડિરેક્ટરોનો ટેકો
આપવામાં આવ્યો ન હતો. ટ્રસ્ટ્સે જણાવ્યું હતું કે આ શરત પૂરી થઈ નથી અને તેથી દરખાસ્ત
નિષ્ફળ ગઈ છે. ટાટા ટ્રસ્ટ્સનું કહેવું છે કે ટાટા સન્સના નિયમો હેઠળ ટ્રસ્ટના નામાંકિત
ડિરેક્ટરોને આપવામાં આવેલા હકારાત્મક મતદાન અધિકારો સંપૂર્ણપણે માન્ય છે, કારણ કે ટાટા સન્સે પોતે અગાઉ સાયરસ મિસ્ત્રી વિવાદ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં
આ નિયમોનો જોરશોરથી બચાવ કર્યો હતો. તે સમયે, સુપ્રીમ કોર્ટે
ટાટા સન્સની દલીલો સ્વીકારી હતી અને આ નિયમોને સમર્થન આપ્યું હતું. આવી સ્થિતિમાં, ટ્રસ્ટો દલીલ
કરે છે કે ટાટા સન્સ, તેની સુવિધા મુજબ, દેશની સર્વોચ્ચ અદાલતમાં ટાટા સન્સ દ્વારા આપવામાં આવેલા રક્ષણ અને અધિકારોને
છોડી કે અવગણી શકે નહીં.