• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

કચ્છની વસ્તી 29 લાખે પહોંચવા અનુમાન

હેમાંગ પટ્ટણી દ્વારા : ભુજ, તા. 20 : દેશ અને રાજ્યની સાથે કચ્છમાં 13મી વસ્તીગણતરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વસ્તીગણતરી ઝુંબેશનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. હવે 2027ના ફેબ્રુઆરીમાં વસ્તીગણતરીની મુખ્ય કામગીરી હાથ ધરાશે અને તે બાદ કચ્છની સાથે સમગ્ર દેશની કુલ વસ્તીનો સચોટ આંકડો સામે આવશે. પ્રથમ તબક્કાની પૂર્ણ થયેલી કામગીરી બાદ કચ્છનો અનુમાનિત વસ્તી વૃદ્ધિદર 40 ટકા આસપાસ રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. 40 ટકાનો વસ્તી વૃદ્ધિદર રહે તો કચ્છની કુલ વસ્તી 29 લાખના આંકે પહોંચે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે. - 2011માં 32.16 ટકાના દરે વધી વસ્તી : ભારતીય જનગણના પોર્ટલ પરથી મળેલી વિગત અનુસાર 2001થી 2011ના ગાળા દરમ્યાન કચ્છમાં 32.16 ટકાના વસ્તી વૃદ્ધિદર સાથે જિલ્લાની કુલ વસ્તી 20.92 લાખે પહોંચી હતી. 2011ની વસ્તીગણતરી દરમ્યાન એ બાબત નોંધનીય રહી હતી કે, સુરત સિવાયના રાજ્યના મહાનગરો કરતાં કચ્છનો વસ્તી વૃદ્ધિદર વધુ રહ્યો હતો. 2011માં રાજ્યમાં સુરત પછી કચ્છનો વસ્તી વૃદ્ધિદર બીજા નંબરે રહ્યો હતો.- ઔદ્યોગિક વિકાસ, વધતું શહેરીકરણ સહિતનાં પરિબળ અસરકર્તા : જનગણના પોર્ટલ મારફત મળેલ આંકડાકીય માહિતીનું તુલનાત્મક રીતે નિરીક્ષણ કરીએ તો 2001થી 2011 કરતાંય કચ્છમાં વીતેલા દોઢ દાયકા કરતાં વધુના સમયમાં  ઔદ્યોગિક, પ્રવાસન સહિતનાં ક્ષેત્રોનો વિકાસ થયો છે. શહેરીકરણનો વ્યાપ પણ જિલ્લામાં ઉત્તરોત્તર વધી રહ્યો છે. દુષ્કાળનાં વર્ષો ઘટવાં સાથે કચ્છમાં વિકાસની નવી તકો ઊભી થતાં કચ્છ બહાર વસતા કચ્છીઓની વતન વાપસીનો દોર વધ્યો છે. જાણકારોના મતે આ તમામ પરિબળ વસ્તી વૃદ્ધિદરના ઉછાળા પાછળ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. વળી આ વખતે વસ્તીગણતરી દસના બદલે પંદર વર્ષે થઈ રહી હોવાથી વસ્તી વૃદ્ધિદર થોડો વધુ રહે એ સહજ સ્વાભાવિક છે. - બાર વખતની ગણતરીમાં બે વાર વસ્તી ઘટી : 1901થી 2011 સુધી કચ્છ સહિત સમગ્ર દેશમાં બાર વખત વસ્તીગણતરી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 12 વખતની ગણતરીમાં 1911થી 1921 અને 1931થી 1941 એ બે એવા દાયકા હતા કે જ્યારે કચ્છમાં વસ્તી ઘટેલી જોવા મળી હતી.  1981 સુધી વસ્તી વૃદ્ધિદર ધીમો રહ્યા  બાદ હવે તેમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. 13મી વસ્તીગણતરીની વિશિષ્ટતા એ છે કે, દેશમાં પ્રથમવાર આ ગણતરી સંપૂર્ણ રીતે ડિજિટલી હાથ ધરાઈ રહી છે. - અનેક સચોટ આંકડા મળશે : 2011 બાદ વસ્તીગણતરી હાથ ધરવામાં આવી ન હોવાના લીધે સાક્ષરતાદર સહિતના અનેક આંકડા મળી શકતા નથી. વસ્તીગણતરી પૂર્ણ થયા બાદ કચ્છની વાસ્તવિક સ્થિતિ દર્શાવતા સચોટ આંકડા મળશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd