નવી દિલ્હી, તા. 20 : ભારત માટે
વાસ્તવિક ખતરો સામ્યવાદ નહીં, પરંતુ
હિન્દુ જમણેરી સાંપ્રદાયિકતા છે તેવું શનિવારે બંધારણીય નિષ્ણાત, વરિષ્ઠ વકીલ અને લેખક એ.જી. નૂરાનીના સ્મરણાર્થે યોજાયેલા એક કાર્યક્રમમાં
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારીએ નિવેદન કર્યું હતું. અન્સારીના નિવેદનથી રાજકીય ઘમસાણ સર્જાયું
છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેમના વિચારો ભારત અને ભારતીય પરંપરા માટે માટે
ભયજનક છે.એક મીડિયા હેવાલ મુજબ, નવી દિલ્હીના ઇન્ડિયા ઇસ્લામિક
કલ્ચરલ સેન્ટર ખાતે આયોજિત કાર્યક્રમમાં નૂરાનીના પુસ્તક `ધ આરએસએસ : અ મેનિસ ટુ ઈન્ડિયા'નો ઉલ્લેખ કરતાં અન્સારીએ ભૂતપૂર્વ વડાપ્રધાન
જવાહરલાલ નેહરુના કથિત નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે, ભારત માટે
વાસ્તવિક ખતરો સામ્યવાદ નહીં, પરંતુ હિન્દુ જમણેરી સાંપ્રદાયિક્તા
છે.તેમણે કહ્યું હતું કે, નૂરાનીના 2019ના પુસ્તક, `ધ આરએસએસ
: અ મેનિસ ટુ ઇન્ડિયા' ની પ્રસ્તાવનામાં
એવા વિચારો છે, જે તેમના મતે આજે ભારતમાં ઘણા મુસ્લિમોની લાગણીઓને
પ્રતાબિંબિત કરે છે. હામિદ અન્સારીએ રાષ્ટ્રવાદ,
ઓળખ અને ભારતની રાજકીય દિશા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરતાં નોંધ્યું
હતું કે, તાજેતરના વર્ષોમાં વલણો અને પ્રથાઓ ઉભરી આવી છે જે નાગરિક
રાષ્ટ્રવાદના સ્થાપિત સિદ્ધાંતને પડકારે છે અને તેના સ્થાને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની
વિભાવનાને આગળ ધપાવે છે.અન્સારી પર પ્રહાર કરતાં યોગી આદિત્યનાથે આરોપ લગાવ્યો હતો
કે, અન્સારીના નિવેદનમાં સનાતન પરંપરાને નિશાન બનાવવાનો અને હિન્દુ
પરંપરાનું અપમાન કરવાની સાથે સાથે હિન્દુઓને આતંકવાદ સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં
આવ્યો હતો. તેમના મતે, પોતાના હોદ્દાની ગરિમા જાળવવાને બદલે,
કેટલાક લોકો એવો માર્ગ પસંદ કરે છે જે તે ગરિમાને નબળી પાડે છે.ભાજપ
અનુ. જનજાતિ મોરચાએ પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, હામિદ અન્સારીના
નિવેદનથી કોંગ્રેસના કથિત હિન્દુ વિરોધી રાજકારણનો પર્દાફાશ થયો છે.