• બુધવાર, 20 મે, 2026

આદિપુર : કરાટે એકેડમી ખાતે પોલીસવડાએ આપ્યો સફળતાનો મંત્ર

ગાંધીધામ, તા. 19 : આદિપુરની સેન્સેઈ માર્શલ આર્ટ એકેડમીના ખેલાડીઓએ રાજ્ય સ્તરની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર વગેરે મેડલ પ્રાપ્ત કર્યા હતા. જે અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ કચ્છના પોલીસ અધીક્ષકે હાજર રહી ખેલાડીઓને વધુ આગળ જવા પ્રેરણા પૂરી પાડી હતી. આદિપુરની આ એકેડમીના બાળકોએ મોટી સિદ્ધિ હાંસલ કરતાં તે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન એકેડમી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો અને ખેલાડીઓને જીવનમાં અનુશાસન, આત્મવિશ્વાસ, સતત સખત મહેનત સાથે આગળ વધવા પ્રેરિત કર્યા હતા. એકેડમીના નાના ભૂલકાંઓએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાનું જાણીને તેમણે આ ક્ષેત્રમાં તક હોવાનું અને આગળ વધવા જણાવ્યું હતું. તેમના આ પ્રેરણાદાયી અને જોશભર્યા શબ્દોથી એકેડમીના તમામ ખેલાડીઓમાં એક નવી ઊર્જા, ઉત્સાહ અને આત્મબળનો સંચાર થયો હતો. એકેડમીના 16 ખેલાડીએ રાજ્યસ્તરે ગોલ્ડ, સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વેળાએ પેરાડાઈઝ ફાઉન્ડેશનના પ્રમુખ હેતલબેન સોલંકી, રાજેશભાઈ વાઘેલા,  શિવરાજસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને  ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એકેડમીના ખેલાડીઓ આગામી સમયમાં માર્શલ આર્ટ્સના ક્ષેત્રમાં વધુ બહેતર પ્રદર્શન કરવા માટે અત્યંત ઉત્સાહિત દેખાયા હતા.  તમામ મેડલ વિજેતા ખેલાડીઓનું પોલીસવડાએ સન્માન કર્યું હતું. પોલીસવડાની ઉપસ્થિતિમાં ખેલાડીઓએ કરાટેની જુદી-જુદી પદ્ધતિઓ, ટેકનિકની પ્રસ્તુતિ કરી હતી. સ્વરક્ષણ અને બાળકીઓ માટેના ડેમો ખાસ રજૂ કરાયા હતા. એકેડમીના સંચાલકો અને વરિષ્ઠ સભ્યો એવા અંબરીશ શ્રીવાસ્તવ, પ્રિયા મિશ્રા, શિવાની જોશી, સપના કોર, યશ્વી કારેલિયા, ઓમ શ્રીવાસ્તવ, સન્ની બુચિયા વગેરેએ કાર્યક્રમનું સંચાલન  અને આભારવિધિ પીયૂષ શ્રીવાસ્તવે કરી હતી. 

Panchang

dd