• બુધવાર, 20 મે, 2026

નખત્રાણા નગરના સર્વાંગી વિકાસનો કોલ

નખત્રાણા, તા. 19 : આ નગરને નગરપાલિકાનો દરજ્જો મળ્યાનાં ચાર વર્ષ બાદ પ્રથમવાર યોજાયેલ ચૂંટણીમાં ભાજપે ઝળહળતો વિજય મેળવ્યા પછી સુકાનીઓની સર્વાનુમતે વરણી કરાઇ હતી.ચૂંટણી અધિકારી એવા નાયબ કલેક્ટર ઉત્સવ ઉજ્જવલ, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ચીફ ઓફિસર ભાવિન કાંધાણીની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી વરણી પ્રક્રિયામાં નગરપતિ પદે વસંતકુમાર વેલજીભાઇ વાઘેલા, ઉપનગરપતિ પદે દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાણસિંહ રાઠોડ, શાસક પક્ષના નેતા સવિતાબેન મંગલદાસ સોલંકી તથા દંડક પદે જાગૃતિબેન મિતેશકુમાર ઠક્કરની નિયુક્તિ કરાઇ હતી. મંચસ્થ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પ્રાંત અધિકારી ઉત્સવ ઉજ્જવલ, ચીફ ઓફિસર ભાવિન કાંધાણીએ હોદ્દાના પ્રમાણપત્રો આપી અભિનંદન પાઠવ્યા હતા. ન.તા. ભાજપના મહામંત્રી હરિસિંહ રાઠોડે સ્વાગત પ્રવચનમાં આવકાર્યા હતા. રાજેશભાઇ પલણ, પરેશ ભાનુશાલીએ  પાલિકા હોદ્દેદારોના સેન્સનાં નામોના બંધ કવર રજૂ કર્યા હતા. શિરસ્તેદાર શિવજી પાયણએ નામોની યાદી રજૂ કરી હતી. ચૂંટાયેલા સમસ્ત નગરસેવકો લોકોનાં વિકાસકાર્યો કરવા કટિબદ્ધ થઇ કામો કરવા  ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આહ્વાન કર્યું હતું. નખત્રાણા પાલિકાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે નખત્રાણાના વિરાણી, સુખપર, ગણેશનગર, બીરૂ ગામોના રસ્તા, પાણી, ગટર સહિત સુધારણા કામો હાથ ધરી સર્વાંગી વિકાસ કરવાની નેમ નવનિયુકત નગરપતિ વસંતભાઇ વાઘેલાએ વ્યકત કરી હતી. નખત્રાણા શહેરને કનડતી ટ્રાફિક, રખડતા ઢોર, ગટર, સફાઇ, પાણી પુરવઠો, વિવિધ સમસ્યાઓનાં નિવારણ માટે પ્રાથમિકતા આપવાની કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રી રાઠોડ નખત્રાણા ગ્રા.પં.માં ઉપસરપંચપદે સેવા આપી ચૂક્યા છે. નખત્રાણા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બાબુ ધનાણી, ધર્મેશ કેસરાણી,  વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્ર કંસારા, છગનલાલ આઇયા, દીપક આઇયાએ પાલિકાના નવનિયુકત હોદ્દેદારો, નગરસેવકોને શુભેચ્છા પાઠવી હતી. જિ.પં. સદસ્ય દિનેશભાઇ રૂડાણી, તા.પં. સદસ્ય બેચરભાઇ રૂડાણી, અગ્રણીઓ ખેંગારભાઇ રબારી, મીઠુભાઇ વાઘેલા, દિલીપભાઇ નરસિંગાણી, વેણીલાલ રૈયાણી, હિરેન ભટ્ટ, ચંદુલાલ વાઘેલા, ભાણજી વાઘેલા,  મુકેશ રાણાવા, હાજી મામદ ખત્રી, દિનેશ નાથાણી, જયેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ગોસ્વામી (તા. પં. સદસ્યા), ભરતભાઇ સોમજિયાણી, લાલજીભાઇ રામાણી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન- આભારવિધિ હરિસિંહ રાઠોડે કર્યા હતા. 

Panchang

dd