• બુધવાર, 20 મે, 2026

આદિપુરના યુવાન સાથે ફ્રેન્ચાઈઝીનાં બહાને 10.20 લાખની છેતરપિંડી

ગાંધીધામ, તા. 19 : આદિપુરમાં રહેતા એક યુવાનને ફ્રેન્ચાઈઝીમાં રોકાણ કરવાનું કહી મૂળ રકમની 10 ગણી રકમ આપવાનું કહી બાદમાં રૂા. 10,20,000 ન આપી છેતરપિંડી-વિશ્વાસઘાત કરતાં શખ્સ સામે ગુનો દર્જ થયો હતો. આદિપુર ન્યૂ સી.બી.એક્સ.માં રહી સરસ્વતી શાળામાં ક્લાર્કનું તથા એલ.આઈ.સી. એજન્ટ તરીકે કામ કરતા આશિષ નરેન્દ્ર ભાટિયાએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે-તે વખતે એક ઓનલાઈન તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં ફરિયાદી જોડાયા હતા. તાલીમ આપનારા હિમાંશુ પુનદ્રિકલાલ જોશીએ વોટ્સએપ મેસેજ કરી એક યોજના એડવાઈઝર લર્નિંગ રિસોર્ટ લિમિટેડમાં ફ્રેન્ચાઈઝી લેવાની વાત કરી હતી અને મૂળ રકમની 10 ગણી રકમ તથા દર વર્ષે 10-10 ટકા રકમ પરત કરવાની વાત કરી હતી. જેમાં કંપનીના શેર માટે 20 હજાર ભર્યા બાદ ફરિયાદીએ અન્ય 10 લાખ ભરી આપ્યા હતા. બાદમાં ફરિયાદીએ ફ્રેન્ચાઈઝી આપવા અને શેર પ્રમાણપત્ર તથા એગ્રિમેન્ટ તથા 10 ટકા નફાની વાત કરતાં આરોપી જુદાં-જુદાં બહાના આપીને ટાળતો હતો અને તેણે મૂળ રકમ પણ ન આપતાં ફરિયાદીએ 7/5/2026ના આદિપુર પોલીસ મથકે અરજી કરી હતી. જેના આધારે પોલીસે આજે ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd