જયપુર, તા. 19 : વૈભવ સૂર્યવંશીના 38 બોલમાં 93ની રન રમખાણવાળી બળૂકી ઈનિંગ્સના જોરે
રાજસ્થાન રોયલ્સે મહત્ત્વપૂર્ણ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સને સાત વિકેટે હાર આપી
પ્લેઓફમાં પ્રવેશની આશા જીવંત રાખી છે. લખનઉ સુપર જાયન્ટસે આપેલ 221 રનના વિજયી લક્ષ્યને રાજસ્થાન
રોયલ્સે 19.1 ઓવરમાં ત્રણ વિકેટે હાંસિલ
કરી લઈ રોયલ જીત મેળવી હતી. વૈભવે પોતાની 93 રનની ઈનિંગ્સમાં 10 છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. રાજસ્થાનના સુકાની યશસ્વી
જયસ્વાલે 23 બોલમાં 43 રન બનાવી વૈભવ સાથે મજબૂત
ઓપનિંગ ભાગીદારી નેંધાવી હતી. રાજસ્થાને 19.1 ઓવરમાં 225 રન બનાવી
5 બોલ બાકી હતા ત્યારે જીત મેળવી લીધી હતી.ધ્રુવ
જુરેલે 38 બોલમાં 53 રન બનાવી જીતમાં પોતાની ભાગીદારી
નેંધાવી હતી. લખનઉના બોલરો સંપૂર્ણપણે બેઅસર સાબિત થયા હતા. રાજસ્થાન રોયલ્સે આ બળૂકી
જીત મેળવી પ્લેઓફમાં પ્રવેશનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે. અગાઉ રાજસ્થાન રોયલ્સ
માટે પ્લેઓફ પ્રવેશના કરો યા મરો સમાન મેચમાં લખનઉ સુપર જાયન્ટસે પ વિકેટે 220 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો
હતો. એલએસજી તરફથી મિચેલ માર્શ અને જોશ ઇંગ્લીશે પાવરપ્લેમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી
અને 6 ઓવરમાં લખનઉના વિના વિકેટે 83 રન બન્યા હતા. જો કે અંતમાં
લખનઉની રન રફતાર ધીમી પડી ગઇ હતી. મિચેલ માર્શ અંતિમ ઓવરમાં રનઆઉટ થયો હતો. તેણે પ7 દડામાં 11 ચોગ્ગા-પ છગ્ગાથી ધુંઆધાર
96 રનની ઇનિંગ્સ રમી હતી. તે
ફરી એકવાર સદી ચૂકી ગયો હતો. આ સિવાય જોશ ઈંગ્લીશે 29 દડામાં 7 ચોગ્ગા-3 છગ્ગાથી 60 રનની ઝડપી ઈનિંગ્સ રમી હતી.
ઈંગ્લીશ-માર્શ વચ્ચે પહેલી વિકેટમાં પ0 દડામાં 109 રનનો તોફાની
ભાગીદારી થઇ હતી. લખનઉ તરફથી કેપ્ટન ઋષભ પંતે
23 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 3પ રનની ઇનિંગ્સ રમી હતી. પૂરન 16, અને બડોની ઝીરોમાં આઉટ થયા
હતા. રાજસ્થાન તરફથી યશ રાજ પૂંજાએ 2 વિકેટ લીધી હતી. આર્ચરને 1 વિકેટ મળી હતી.