• બુધવાર, 20 મે, 2026

અકસ્માતમાં કાયમી ખોડ રહેતાં રૂા. 1.62 કરોડનાં વળતરનો હુકમ

ભુજ, તા. 19 : ત્રણેક વર્ષ પૂર્વે અંજારના ડો. યશપાલસિંહ નટુભા રાઠોડને પોતાના માલિકીની કાર ચલાવીને જતા હતા ત્યારે રાજસ્થાનમાં અકસ્માત નડતાં તેમને ગંભીર ઈજા થતાં કાયમી શારીરિક ખોડ રહી ગઈ હતી. વીમા કંપનીમાં વળતર અરજી કરાતાં સંખ્યાબંધ તકરારો લેવામાં આવી જેમાં પુરાવા, દલીલો અને અનેક ચુકાદાઓ રજૂ કરાતાં અંજાર ટ્રીબ્યુનલે વીમા કંપની અરજદારને રૂા. 1.62 કરોડ વળતર ચૂકવે તેવો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. આ મહત્ત્વના ચુકાદાની ટૂંક વિગતો મુજબ તા. 9/1/23ના ડો. યશપાલસિંહ રાઠોડ પોતાની માલિકીની કાર નં. જીજે-12-ડીએસ-1201વાળી ચલાવી મેડિકલ કોલેજમાંથી ઉદયપુર (રાજસ્થાન) ખાતે પોતાના ફ્લેટ પર ગાડી ધીમી ચલાવીને પરત જઈ રહ્યા હતા, ત્યારે રાત્રે 2:30 કલાકે ટ્રક નં. આરજે-14-જીજી-8973ના ચાલકે ટ્રકને ઝડપથી અને બેદરકારીથી ચલાવી અરજદાર ડો. યશપાલસિંહની કારને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં તેઓને ગંભીર ઈજા થતાં કાયમી શારીરિક ખોડ રહી હતી. આ અકસ્માતના પગલે અરજદાર ડો. યશપાલસિંહે અકસ્માત વળતર મેળવવા માટે ટ્રકના ચાલક, માલિક તેમજ વીમા કંપની ધી ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કું. લિ. સામે અરજી કરી હતી. જેને લઈ વીમા કંપની તરફથી સંખ્યાબંધ તકરારો લેવામાં આવી, પરંતુ અરજદારને રહેલી સંપૂર્ણ કાયમી ખોડ, તેઓ તરફથી રજૂ થયેલા પુરાવા, દલીલો અને ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓ રજૂ કરવામાં આવતાં તેને ધ્યાને લઈ અંજાર ટ્રીબ્યુનલે વળતરના રૂા. 1,62,00,000 વ્યાજ તેમજ ખર્ચ સહિત ચૂકવી આપવા વીમા કંપની સામે હુકમ કર્યે છે. આ મહત્ત્વના ચુકાદામાં અરજદારના એડવોકેટ તરીકે ભુજના ધારાશાત્રી રાજેશ પ્રેમજીભાઈ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા. 

Panchang

dd