ઢાકા, તા. 19 : બાંગલાદેશમાં ભારતીય હાઈકમિશનના
એક અધિકારીનો મૃતદેહ શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો છે. પોલીસે મંગળવારે ચિત્તાગોંગના
ખુલશી વિસ્તારમાં ભારતીય સહાયક હાઈકમિશનનાં કાર્યાલયમાંથી એક ભારતીય નાગરિકનો મૃતદેહ
મળી આવ્યો હતો. હરિયાણાના રહેવાસી નરેન્દ્ર ચિત્તાગોંગમાં ભારતીય હાઈ કમિશનમાં સુરક્ષા
પ્રોટોકોલ અધિકારી હતા. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અહેવાલો અનુસાર,
35 વર્ષીય નરેન્દ્ર મંગળવારે
સવારે પોતાના રૂમનો દરવાજો ખોલી રહ્યા ન હતા. શરૂઆતમાં હાજર અન્ય અધિકારીઓએ જાતે દરવાજો
ખોલવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેઓ નિષ્ફળ ગયા, ત્યારે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ
ઘટનાસ્થળે પહોંચી અને હાઈકમિશનના એક રૂમમાંથી નરેન્દ્રનો મૃતદેહ મળી આવ્યો હતો. ચિત્તાગોંગ
મેટ્રોપોલિટન પોલીસ કમિશનર હસન મોહમ્મદ શૌકત અલીએ બાંગલાદેશના અખબાર ધ ડેઇલી સ્ટારને
જણાવ્યું હતું કે, નરેન્દ્ર તે ઓફિસમાં સુરક્ષા પ્રોટોકોલ અધિકારી તરીકે કામ કરતા હતા.સીએમપી કમિશનરના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં દૂતાવાસના
અધિકારીઓને નરેન્દ્રના રૂમમાંથી કોઈ જવાબ મળ્યો ન હતો, ત્યારબાદ તેમણે પોલીસને જાણ
કરી. પોલીસ અધિકારીઓને ટાંકીને, બાંગ્લાદેશની એક ન્યૂઝ વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે,
જૂના વિઝા સેન્ટર બિલ્ડિંગના બીજા માળે ડેટા એન્ટ્રી રૂમના બાથરૂમના દરવાજાની સામે
મૃતદેહ મળી આવ્યો હતો. અમને પ્રાથમિક રીતે શંકા છે કે, અધિકારીનું રાત્રે કોઈક સમયે
બાથરૂમમાં જતા સમયે મૃત્યુ થયું હશે, એમ ચિત્તાગોંગ મેટ્રોપોલિટન પોલીસના આસિસ્ટન્ટ
કમિશનર ઓફ પબ્લિક રિલેશન્સ અમીનૂર રશીદે જણાવ્યું હતું.