હૈદરાબાદ, તા. 13 : આઇપીએલની
વર્તમાન સિઝનમાં લગાતાર ચાર જીત બાદ આજે રાજસ્થાન રોયલ્સને હાર ખમવી પડી હતી. સાવ
નવાસવા બોલરો પ્રફુલ હિંગે અને સાકીબ
હુશેને ચાર-ચાર વિકેટ ખેરવીને રાજસ્થાનની વિજયકૂચ પર રોક મૂકી દીધી હતી.
બન્ને નવોદિતનાં પ્રતિભાશાળી પ્રદર્શનના બળે સનરાઇઝર્સ હૈદરાબાદે 57 રને
જીત મેળવી હતી. 217 રનનાં લક્ષ્ય સામે રોયલ્સ 159 રનમાં
સમેટાઇ ગઇ હતી. સુકાની ઇશાન કિશને પણ વિસ્ફોટક 91 રન કરીને વિજયમાં મોટી ભૂમિકા
ભજવી હતી. લક્ષ્યવેધ માટે મેદાન પર ઊતરેલી રાજસ્થાનનો કોઇ પણ બેટધર ક્રિઝ પર વધુ
જામી શક્યો નહોતો. માત્ર નવ રનમાં પાંચ વિકેટ ખોઇ બેસતાં રોયલ્સે સિઝનનો સૌથી
કંગાળ દેખાવ કર્યો હતો. ડોનોવન ફેરીરિયાએ 44 દડામાં 69, રવીન્દ્ર
જાડેજાએ 32 દડામાં 45 રન કરી દાવને ગતિ આપવાનો પ્રયાસ
કર્યો હતો. વૈભવ સૂર્યવંશી,
ધ્રુવ જુરેલ, પ્રિટોરિયસે તો ખાતું ખોલાવ્યા
વિના વિકેટ ખોઇ દીધી હતી. આજની બાજીમાં બોલરોની બોલબાલા રહી હતી. આ અગાઉ કેપ્ટન
ઇશાન કિશનની 91 રનની આતશી ઇનિંગની મદદથી
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદના 20 ઓવરમાં 6 વિકેટે 126 રન
થયા હતા. અભિષેક શર્મા મેચના પ્રથમ બોલ પર ગોલ્ડન ડક થયા પછી ઇશાન કિશને
રાજસ્થાનના બોલર્સ પર હલ્લાબોલ કર્યો હતો. જો કે, સામે છેડે સંઘર્ષ કરી રહેલ ટ્રેવિસ હેડ 18 રને
આઉટ થઇ ગયો હતો. આ પછી ઇશાન અને ક્લાસેન વચ્ચે ફક્ત 39 દડામાં
88 રનની
ઝડપી ભાગીદારી થઇ હતી. ઇશાન કિશન સદી નજીક પહોંચ્યા પછી 91 રને
આઉટ થયો હતો. તેણે 44 દડાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા
ફટકાર્યા હતા, જ્યારે હેનરિક ક્લાસેન તેનું ફોર્મ જાળવી રાખવામાં સફળ રહ્યો હતો અને 26 દડામાં
1 ચોગ્ગા, 3 છગ્ગાથી 40 રને
આઉટ થયો હતો. ઓલરાઉન્ડર નીતીશ રેડ્ડીએ 13 દડામાં 4 છગ્ગાથી
ઝડપી 28 અને સલીલ અરોરાએ 13 દડામાં અણનમ 24 રન કરી
સનરાઇઝર્સનો સ્કોર 216 રન સુધી પહોંચાડયો હતો. રાજસ્થાન તરફથી
આર્ચરને 2 વિકેટ મળી હતી. સંદીપ,
તુષાર અને રિયાનને 1-1 વિકેટ મળી હતી.