• મંગળવાર, 14 એપ્રિલ, 2026

મરુ વચાળે માનવ મહેરામણ ઊમટી પડયો

ઉમર ખત્રી દ્વારા : મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 13 : શુક્રવાર સાંજથી શરૂ થયેલા હજરત હાજીપીર વલીના ઉર્સમાં આજે સોમવારે છેલ્લા દિવસે સંપન્ન થયેલા આ ઉર્સમાં પાંચ લાખ જેટલા કચ્છ તેમજ કચ્છ બહારના શ્રદ્ધાળુઓ માથું ટેકવી ગયા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો હતો. મુજાવર ઈસ્માઈલભાઈએ માહિતી આપતાં કહ્યું હતું કે, ગત વર્ષની તુલનાએ આ વર્ષે 2 લાખથી વધુ યાત્રાળુઓ આવ્યા હતા.

પવન લાગે, ધૂળની ડમરી ઊડે એટલે મેળો પૂરો

હાજીપીરના મેળામાં સોમવારે મેળાના છેલ્લા દિવસે 4 વાગ્યે પવન સાથે ધૂળની ડમરી ઊડે એટલે મેળો પુરો આવું સંકેત સદીઓથી જોવા મળે છે.

મેળો પૂરબહારમાં ખીલ્યો

રણવચાળે આવેલા સૂફિયાણા હઝરત હાજીપીર વલીનો ઉર્સ  શનિવારે  રાત્રે અને રવિવારના પૂરબહારમાં ખીલ્યો હતો. રવિવારે રજાના દિવસે મેદની ઊમટી પડતાં હાજીપીર ગામ ટૂંકુ પડ્યું હતું. `શ્રધ્ધા ને જેમ સીમાડા ન નડે' તેમ `આસ્થાને વળી તાપ કેવો' આમ સલામીઓ ધોમધખતા તાપની પરવા કર્યા વિના સૂકા રણમાં આસ્થાના સ્થાને માથું ટેકવા હજારો કિલોમીટરની મંજિલ કાપીને હાજીપીર વલીની મઝારે આવ્યા હતા.

વલી જી પડ મે કેડો તડકો

લાખોની સંખ્યામાં લોકો કચ્છ ઉપરાંત અન્ય રાજ્યોથી મેળામાં ઊમટયા હતા. બપોરે બાઈકથી હાજીપીર જતા એક પરિવારને તડકો નથી લાગતો એવું પૂછતાં વિરાણી પહોંચેલા ગુજરાતના એ શ્રદ્ધાળુએ જવાબ આપ્યો હતો કે વલી જે પડ મે તડકો કેડો... એવું શ્રદ્ધા ભાવથી કહ્યું હતું.

એસ.ટી.માં મંદી

મેળા અંગે હાજીપીર એસ. ટી. કંટ્રોલના શામજીભાઈ આહીરે કહ્યું હતું કે લોકો ખાનગી વાહનો વધુ લઈને મેળે આવતા એસટીને સંતોષ કારક પ્રતિસાદ મળ્યો નથી શનિવારે બપોરથી રાત્રી દરમિયાન પેસેન્જરો સારા પ્રમાણમાં હતા બે દિવસમાં પ્રવાસીઓ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

 બન્ની વિસ્તારમાં બહાર આવી

હાજીપીરે રસ્તાની કામગીરી ચાલુ છે તેથી સહેલાણીઓ આ વખતે નખત્રાણાથી વિરાણીમોટી જતાવીરા છારી ફુલાય થી બુરકલ થઈ નિકળતા બન્ની વિસ્તારમાં વાહનોના પ્રવાહથી રસ્તાઓ જીવંત બન્યા છે .નખત્રાણા વથાણ અને વિરાણી બસ સ્ટેશન પર યાત્રાળુઓની અવરજવરથી ધંધા માં પણ થોડી તેજી આવી હોવાનું જણાવાયું હતું.

દરગાહ પરિસરમાં ભીડ...

શનિવારની રાત્રિ અને  રવિવારના દિવસે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા હાજીપીર દરગાહ પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી. ગરમીથી ટાઢક મેળવવા યાત્રાળુઓ તળાવમાં સ્નાન કરતા જોવા મળ્યા હતા. રવિવારના દિવસે બઝારમાં ભીડ જામી હતી. લોકોએ મન ભરીને ખરીદી કરી હતી. શુક્રવારના ચાલુ મેળા દરમ્યાન વિજડીપીમાં ખરાબી થતાં સાંજના ભાગે બે થી ત્રણ કલાક અંધારૂં છવાઈ ગયું હતું ત્યાર પછી વિજપુરવઠો કાર્યરત થઈ ગયો હતો. પોલીસ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના 300 જેટલા કર્મચારીઓએ મેળા પર બાજનઝર રાખી હતી છતાં મોબાઈલ અને ચીલઝડપના સામાન્ય બનાવો બન્યાનું જાણવા મળ્યું હતું એવું નરા પોલિસના શ્રી ગોહિલભાઈએ કહ્યું હતું.

Panchang

dd