• મંગળવાર, 14 એપ્રિલ, 2026

ચેક પરતના બે કેસમાં આરોપીઓને એક-એક વર્ષની કેદ

ભુજ, તા. 13 : ચેક પરત ફરવાના બે કેસમાં અબડાસા તાલુકાના વિંઝાણના સાગર વિનોદભાઇ ઠક્કર અને અન્ય કેસમાં આરોપી રાઠોડ રાહુલ ચેતસિંહને એક-એક વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ફરિયાદી મોહમદ ફૈસલ રજાક માંજોઠીએ આરોપી સાગર વિનોદભાઇ ઠક્કર (રહે. વિંઝાણ)ને મિત્રતાના સંબંધે રૂા. ત્રણ લાખ ઉછીના આપ્યા હતા, જેના ચૂકવણા પેટે આપેલો ચેક અપૂરતાં ભંડોળનાં કારણે પરત ફરતાં ફરિયાદીએ ભુજની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં ચીફ જ્યુ. મેજિ.એ આરોપી સાગરને તક્સીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂા. 3.30 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ એ.એ. પઢિયારે હાજર રહી દલીલો કરી હતી. બીજા કેસની વિગતો મુજબ ભુજના ફરિયાદી મોતા સાગર શાંતિલાલ પાસેથી આરોપી રાઠોડ રાહુલ ચેતસિંહે રૂા. સાત લાખ ઉધાર લીધા હતા, જેને લઇ આપેલો ચેક પરત ફરતાં ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના ચોથા અધીક ચીફ જ્યુ. મેજિ.એ આરોપીને તક્સીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને રૂા. 10 લાખ ફરિયાદીને વળતર આપવા હુકમ કર્યો છે. ફરિયાદીના વકીલ તરીકે અમિત એન. ગોર હાજર રહ્યા હતા.

ચેક પરતમાં છ લાખ દંડ, રકમ ન ભરે તો બે વર્ષની સજા

ફરિયાદી નવસારીના રીતુબેન રીકેશ જૈન પાસેથી નવસારીના જ આરોપી ગીતેશ રમણલાલ શાહે હાથઉછીના રૂપિયા છ લાખ લીધા હતા, જે અંગે આપેલો ચેક પરત ફરતાં નવસારી કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો, જેમાં કોર્ટે આરોપી ગીતેશને મૂળ રકમના રૂા. છ લાખ આપવા તથા બીજા છ લાખ દંડના એમ 12 લાખ ચૂકવવા અને આ રકમ ન ભરે, તો બે વર્ષની સજા તથા દંડ ન ભરે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો છે. આ કેસ ફરિયાદીના એડવોકેટ વતી એચ.પી. વાઘેલાએ ચલાવ્યો હતો, જે હાલે કચ્છમાં વકીલાત કરે છે.

10માની છાત્રા સાથે બળાત્કાર કેસમાં આરોપીના જામીન નામંજૂર

કચ્છના અંતરિયાળ વિસ્તારની 10મા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીને આરોપી દીપ વાડીલાલ સોલંકી ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડશિપ કરી વાતચીત કરી ચેટ વાયરલ કરવાની ધમકી આપી આરોપી સુરેન્દ્રનગરથી  કચ્છના અંતરિયાળ ગામમાં આવી સગીરાને બ્લેકમેલ કરી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેના ફોટા પાડયા હતા. આ બાદ બાળકી પાસેથી રૂપિયાની માગણી કરી હતી અને નાણાં ન આપે તો ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. સગીરાના પિતાનેય ધાકધમકી કરી હતી. સગીરાના કુટુંબીઓના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં ફોટો મોકલી લાખો રૂપિયા માગ્યા હતા. આ ચર્ચાસ્પદ કેસમાં આરોપીની અટક થતાં તેણે નિયમિત જામીન પર છૂટવા અરજી કરતાં કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી સાથે ઉમેર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જયેશ કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા.

ડાવરીના 18 વર્ષ જૂના જમીની કેસમાં આરોપી નિર્દોષ

રાપરના ડાવરીની જમીન અંગે ખોટું પેઢીનામું બનાવવા અંગે વર્ષ 2007માં રાપર પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો, જેમાં પોલીસે પુરાવા એકત્ર કરી આરોપીઓની અટક કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બાદમાં આ કેસ ભચાઉની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં પુરાવાઓ પૂર્ણ થયા બાદ ન્યાયાધીશે બંને પક્ષની દલીલો ધ્યાને લઇ પૂરતા પુરાવા ન હોઇ જિજ્ઞેશ વિષ્ણુ પ્રજાપતિ, અમૃત રવજી ઠક્કર, ધનુભા પતુભા વાઘેલા, દિનેશપુરી જેમલપુરી ગોસ્વામીને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો હતો. આરોપીઓના ધારાશાત્રી તરીકે હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, વિજયભા પી. ગઢવી, કલ્પેશ એન. વાણિયા, હરપાલસિંહ કે. જાડેજા હાજર રહ્યા હતા.

Panchang

dd