• મંગળવાર, 14 એપ્રિલ, 2026

રાપરનો નગાસર તળાવ રિંગ રોડ ડમ્પિંગ યાર્ડ બની ગયો

રાપર, તા. 13 :  ભયાવહ ભૂકંપે કચ્છ સહિત રાપરને તબાહ કરી નાખ્યા બાદ નવસર્જનમાં રાપર નગરને ટ્રાફિક સમસ્યા ન નડે એ માટે બાયપાસ રિંગ રોડ બનાવવામાં આવ્યા. ચિત્રોડ બાજુથી ગુરુકુળ રિંગ રોડ અને પ્રાગપર, પ્રાંથળ અને ખડીર, ફતેહગઢ બાજુથી આવતાં ભારે ડમ્પરો અને અન્ય માલવાહક વાહનોને બાયપાસ નીકળવા માટે પ્રાગપર ચોકડીથી તિરુપતિનગર થઈને નગાસર તળાવ પાછળ સીધો બગીચા પાસે ચિત્રોડ મેઈન રોડને મળતો આ રિંગ રોડ રાપરને ભૂકંપની એક ભેટ કહી શકાય! આનાથી શહેરમાં ભારે ખનિજ ભરેલાં ડમ્પરોથી આંશિક રાહત મળી એમ કહી શકાય. અલબત્ત પોલીસની મીઠી નજર હેઠળ હજી ઘણાં ડમ્પરો અને ભારે વાહનો શહેરમાંથી જ પસાર થાય છે. પરંતુ આ રોડ હાલ ડમ્પિંગ સાઈટમાં ફેરવાયો છે. આ નજરાણા રૂપ મળેલાં રિંગ રોડ પર નગાસર પાછળ થયેલાં દબાણ અને કચરાનાં ઢગલાઓથી રોડને બદલે જાણે ડમ્પિંગ સ્ટેશન હોય તેવું લાગી રહ્યું છે. મલબાના ઢગ અને ગામનો અન્ય કચરો  છેક રોડ પર એવી રીતે નાખવામાં આવ્યો છે કે ગમે ત્યારે મોટો અકસ્માત થઈ શકે! ઉલ્લેખનીય છે કે પહેલાં નાગેશ્વર મંદિરથી થોડે દૂર તળાવની પાળે ડમ્પિંગ યાર્ડ હતો જેના પર નગરપાલિકાએ ઉદ્યાન બનાવી એ જગ્યા વેસ્ટમાંથી બેસ્ટ બનાવી હતી. હાલમાં નગરપાલિકાની ઘોર ઉદાસીનતાથી આખો નગાસર રિંગ રોડ છેક તિરુપતિનગર સુધી ડમ્પિંગ યાર્ડમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ દબાણ અને કચરાના ઢગલાઓથી એટલો સાંકડો થઇ ગયો છે કે સામસામે બે નાનાં વાહનો પણ નીકળી શકે તેમ નથી. પૂરપાટ ઝડપે આવતાં વાહનોને ગોલાઈ પાસે અકસ્માત થવાની શક્યતા રહે તે હદે આ માર્ગ દબાઈ ગયો છે. નગરપાલિકાના અધિકારીઓ આ માર્ગે એકવાર આંટો મારે અને વાહનચાલકોને તથા રાહદારીઓને આ સમસ્યામાંથી છુટકારો અપાવે અને આ માર્ગને સંભવિત અકસ્માત ઝોનમાં પરિવર્તિત થતો અટકાવે તેમ જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે. આ રિંગ રોડ હોવા છતાં રેતી-માટી-કપચી ભરેલાં મહાકાય ડમ્પરો તાડપત્રી ઢાંક્યા વગર શહેર વચ્ચેથી બેફામ પસાર થતાં હોય છે. વચ્ચે જ વીર સાવરકર ચોકમાં પોલીસ ચોકી હોવા છતાં આવાં ડમ્પરોથી અવારનવાર નાનાં મોટાં અકસ્માતો પણ થતાં જ રહે છે. થોડા સમય પહેલાં બે-ત્રણ ગાયો અને વાછરડાને પણ એક ધસમસતા ડમ્પરે અડફેટે લીધા હતા, તો એક બે લોકોએ અકસ્માતમાં જીવ પણ ખોયા છે. ઉનાળામાં રાત્રે આ રસ્તે લોકો નગાસર વોક વે પર ફરવા જતા- આવતા હોવાથી અને રાત્રે જ આ માર્ગ પર ડમ્પરોની આવનજાવનથી અકસ્માતનું જોખમ વધી જાય છે. પોલીસ આ બાબતને ગંભીરતાથી લઈ શોભાના ગાંઠિયા જેવા સીસીટીવી અને નેત્રમ દ્વારા લગાવેલા કેમેરા ચાલુ કરી મોનિટરિંગ-પેટ્રોલિંગ કરી આ સમસ્યામાંથી છુટકારો અપાવે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે.

Panchang

dd