• સોમવાર, 02 માર્ચ, 2026

હોળીમાતા માંગે દિવડો સોહાગણ માંગે પુતર...

રામજી મેરિયા દ્વારા : ચોબારી, (તા. ભચાઉ), તા. 1 : ભારતીય સંસ્કૃતિમાં તહેવારો અને પરંપરા, સંસ્કૃતિનું અનોખું મહત્ત્વ છે. લોકગીતો, ભજન, રાસ, હાલરડાં વિગેરેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક ઝીલાય છે, જેમ નવરાત્રિમાં બાલિકાઓ ગરબો માથે લઈને   ગરબા ગાય છે, જે પરંપરા હજુ પણ અકબંધ છે, ત્યારે  અંજાર તાલુકાના નિંગાળમાં પારાધી પરિવારની  બહેનોએ  સંસ્કૃતિનાં જતન સાથે હોળી નિમિત્તે ગીતો ગાવાની પરંપરા જાળવી  રાખી છે. નિંગાળમાં રતનબેન અને રાજબાઈ હોળીના ઉત્સવને  લઈને પરંરાગત હોળીમાતા માંગે દિવડો સોહાગણ માંગે પુતર  કડી સાથે સૂરો રેલાવતા નજરે પડયા હતા. એક તરફ જુદી-જુદી સંસ્કૃતિની ઝલકનાં દર્શન કરાવતી વિવિધ પરંપરા વિલુપ્ત થતી જાય છે, ત્યારે ગામડાઓમાં ભારતીય સંસ્કૃતિ દર્શાવતી પરંપરાઓ હજુ પણ અકબંધ રહી  છે. આ સૂરો સાંભળવા માટે વિદેશીઓ પણ થોભી ગયા હતા. વિરાસતને સાચવવા માટે વિશેષ હિમાયત કરતા અને  કોઈ પણ કાગળ કે મોબાઈલમાં જોયા વિના હૃદયના ઊમળકાથી ગીતો ગાતાં આ  બહેનોએ  જણાવ્યું હતું કે, અમે લગ્નપ્રસંગે પરંપરાગત લગ્નગીતો ગાવા પણ જઈએ છીએ. આજના આધુનિક યુગમાં  દરેક જગ્યાએ ટેક્નોલોજીએ પોતાનું સ્થાન લીધું છે, ત્યારે   કચ્છના ગામડાઓએ  પરંપરાગત સંસ્કૃતિ  જતન  સાથે  તહેવારોની  પ્રથા જાળવી રાખી છે. રણોત્સવમાં  કચ્છના સ્થાનિક કલાકારોને નેંધપાત્ર રીતે તકો ન મળતી હોવાની ફરિયાદ વચ્ચે  સામાજિક સંસ્થા અને સરકારી તંત્રોએ ભારતીય સંસ્કૃતિના પરંપરાગત સૂરોની જાળવણી કરવા અને તેને યોગ્ય માધ્યમ આપવાની જરૂરિયાત  હોવાનું  લોકોએ જણાવ્યું હતું. 

Panchang

dd