• રવિવાર, 01 માર્ચ, 2026

વટભેર લડીને લંકાની હાર; પાક બહાર

કોલંબો, તા. 28 : શ્રીલંકા સામેના મેચમાં પાકિસ્તાનની અગ્નિપરીક્ષા થવાની હતી અને મેચમાં રનરેટ મહત્વનું પરિબળ હતું. પહેલા પાકિસ્તાને બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 212 રન કર્યા હતા. જેનાથી પાકિસ્તાનને સેમીફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકાને 147 રન કે તેનાથી પહેલા રોકવુ જરૂરી હતું પણ શ્રીલંકાએ વટભેર મુકાબલો કરતાં 20 ઓવમાં 6 વિકેટે 207 રન કર્યા હતા. આ સાથે જ ન્યુ ઝિલેન્ડની ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ હતી. જ્યારે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી ફેકાયું હતું. પાકિસ્તાને જીત માટે આપેલા 213 રનના પડકાર સામે શ્રીલંકાના પવન રતનાયકે અને દાસુન શનાકાએ ભારે સંઘર્ષ કર્યો હતો અને શ્રીલંકાને જીતની કગારે પહોંચાડી દીધું હતું. છેલ્લી ઓવરમાં જીત માટે 28 રન જોતા હતા. જેમાં શનાકાએ ત્રણ સિક્સર અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. અંતે બે બોલમાં છ રન થઈ શક્યા નહોતા અને પાકિસ્તાનની પાંચ રને જીત થઈ હતી. રત્નાયકેએ 37 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. જ્યારે દાસુન શનાકાએ 31 બોલમાં બે ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી ધુંઆધાર 76 રન કર્યા હતા. આ અગાઉ શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 212 રન કર્યા હતા. ઓપનર સાહિબઝાદા ફરહાને 59 બોલમાં સદી પૂરી કરી હતી જ્યારે ફખર ઝમાને 42 બોલમાં 84 રન કર્યા હતા. બન્ને ઓપનર્સે પાકિસ્તાનને સારી શરૂઆત અપાવી હતી અને 95 બોલમાં 176 રનની ભાગીદારી કરી હતી. જો કે બાદમાં પાકિસ્તાની બેટ્સમેનોનો ધબડકો થયો હતો અને 36 રનમાં જ 8 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે ઓપનિંગ જોડીની શાનદાર શરૂઆતના દમ ઉપર પાકિસ્તાને 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાને 212 રન કરી લીધા હતા. ઓપનિંગ જોડી સિવાય પાકિસ્તાનનો કોઈપણ બેટ્સમેન ડબલ અંકના સ્કોર સુધી પણ પહોંચી શક્યો નહોતો.  

Panchang

dd