અંજાર, તા. 31 : નગરપાલિકાની સામાન્ય સભામાં
શહેરના વિવિધ વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી. કચેરીના મુખ્ય સભાખંડ ખાતે પ્રમુખ
ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષસ્થાને મળી હતી. આ દરમ્યાન શિક્ષણ ઉપકરની ગ્રાન્ટમાંથી
અંદાજિત રૂા. 90 લાખના ખર્ચે શહેરની જુદી-જુદી
શાળાઓના જુદા-જુદા કામો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. અંજાર શહેર ભારતીય જનતા
પાર્ટી દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાને લઈ અંજાર નગરપાલિકાના હદ વિસ્તારમાં જેસલ જાડેજાની પ્રતિમા સ્થાપિત કરવા અથવા સ્મારક
નિર્માણ કરવા, બ્યૂટીફિકેશન કરવા,
લાઇટિંગ, ભક્તિ તથા અનુષંગિક કામગીરી સહિતનો તમામ
ખર્ચ અંજાર નગરપાલિકા દ્વારા નિયમો અનુસાર કરવા નિર્ણય લેવાયો હતો તથા તે અંગે જરૂરી અંદાજ, મંજૂરી અને વહીવટી કાર્યવાહી કરવા નગરપાલિકાના પ્રમુખને અધિકૃત કરવા ઠરાવ કરવામાં
આવ્યો હતો. અંજારમાં
ગીધુભાઈ તરીકે ખૂબ જ જાણીતા અને લોકપ્રિય રહેલા સ્વ. ગિરધરલાલભાઈ દેવચંદભાઈ ઠક્કરે
નિ:શુલ્ક જેવા ભાવમાં દર્દીઓની સેવા કરી હતી, જેમાં અંજાર શહેર ઉપરાંત આસપાસના ગામોના લોકોએ તેમની સેવાનો ખાસ લાભ લીધો હતો.
તેમાંય બાળકો માટે તેમની સેવા અમૂલ્ય ગણાવી શકાય. તેમના સારવાર કેન્દ્રવાળા માર્ગને
`સ્વ. ગીરધરલાલ દેવચંદભાઈ ઠક્કર માર્ગ' નામકરણ કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું
હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા શરૂ
કરવામાં આવેલ બ્લડ બેન્કની લાગુની જમીનમાં ભવિષ્યમાં કોમ્યુનિટી સેન્ટર અને ટ્રાનિંગ
સેન્ટર બનાવવા જમીન માગવામાં આવી હતી, તે અંગે ચર્ચા-વિચારણા
કરવામાં આવી હતી. ઠરાવોનું વાંચન શાસક પક્ષના
નેતા આશિષભાઈ ઉદવાણીએ કર્યું હતું. સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ
લોદરિયા, દંડક ગિરીશભાઈ પરમાર અજયાસિંહ ઝાલા તેમજ કાઉન્સિલરો
ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો. ચીફ ઓફિસર અનિરુદ્ધાસિંહ ઝાલા અને કચેરી
અધીક્ષક રશ્મિનભાઈ ભીંડેના માર્ગદર્શન હેઠળ કમિટી ક્લાર્ક ગુંજનભાઈ પંડયા અને ધવલભાઈ
થરાદરાએ કામગીરી સંભાળી હતી. - નગરસેવકો વચ્ચે શાબ્દિક ઘર્ષણ
: ગેરહાજર સભ્યો સભા બાદ દેખાયા : અંજાર,
તા. 31 : અહીંની સુધરાઈની
સામાન્ય સભામાં ઠરાવના વાંચન મુદ્દે શાસકપક્ષ અને વિપક્ષના પદાધિકારીઓ વચ્ચે શાબ્દિક
ઘર્ષણ થયું હતું. અલબત્ત, જો કે,
ભારે મથામણ બાદ મામલો થાળે પડયો
હતો. સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ પસારના મુદ્દે વિપક્ષે
પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. બેઠક પૂર્ણ થયા બાદ પગથિયા ઊતરતી વખતે સત્તાપક્ષ
અને વિપક્ષના પદાધિકારીઓ વચ્ચે ભારે શાબ્દિક ઘર્ષણ થયું હતું. શાબ્દિક યુદ્ધમાં એક તબક્કે ઉચાટ ફેલાયો હતો. અબલત્ત, થોડા સમય બાદ મામલો શાંત થયો હોવાનું
નજરે જોનારાઓએ કહ્યું હતું. આ ઉપરાંત સામાન્ય સભામાં કેટલાક નગરસેવકો કથિત ઈરાદાપૂર્વક ગેરહાજર રહ્યા હોવાનું ચિત્ર જોવા
મળ્યું હતું. ગેરહાજર પૈકીના કેટલાક નગરસેવકો સભા પૂર્ણ થયા બાદ પાલિકા પરીસરમાં ચર્ચા
કરતા નજરે પડયા હતા. નગરસેવકોની ગેરહાજરી મુદ્દે મોવડીમંડળ કેવા પગલાં લેશે તેની ગણતરી
માંડતી ચર્ચા પણ વહેતી થઈ હતી. અબલત્ત આ અંગે સત્તાવાર રીતે સમર્થન મળ્યું ન હતું.