ગાંધીધામ, તા. 31 : દિવાળીના તહેવારોને ગણતરીના
દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગાંધીધામ
રેલવે સ્ટેશન પાસે પૂરઝડપે આવતી ટ્રકે દ્વીચક્રિય વાહનને હડફેટે લીધું હતું,
જેમાં દ્વીચક્રિય વાહનમાં સવાર અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત વરસામેડીના પિતા સર્વજિત રાઘેશ્યામ પટેલ (ઉ.વ.53) અને પુત્રી રીતુ સર્વજિત પટેલ
(ઉ.વ.23)નું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. એક જ પરિવારના
બે સભ્યની એક સાથે અર્થી ઊઠતાં પરિવારના ભારે કલ્પાંત વચ્ચે કરુણ દૃશ્યો સર્જાયાં હતાં.
બીજીબાજુ આડેસર-ભીમાસર માર્ગ ઉપર બોલેરો અને મોટરસાઈકલ વચ્ચે થયેલા અકસ્માતમાં પૂરનચંદ્ર
છેદીરામ ગૌતમ (ઉ.વ.23)નું મૃત્યુ
થયું હતું. જ્યારે અન્ય બે જણને ઈજા પહોંચી હતી. શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાની
સામે તેમજ રેલવે સ્ટેશન પાસે આજે સવારે 8.45 વાગ્યાના અરસામાં કરુણાંતિકા સર્જાઈ હતી. બહાર આવેલી વિગતો
અનુસાર પૂરઝડપે આવતી ટ્રક નં. જીજે-12-એવાય-9489ના ચાલકે
બેદરકારીપૂર્વક વાહન ચલાવીને દ્વીચક્રિય વાહન
એક્ટિવા નં. જીજે-12-ઈએચ-9937ને અડફેટે લીધી હતી. પરિણામે
એક્ટિવા સવાર સર્વજિત પટેલ અને રીતુ પટેલને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેમને સારવાર
કારગત નીવડે તે પહેલાં બંને પિતા-પુત્રીએ બનાવ સ્થળે આંખો મીંચી લીધી હતી. મૃતક સર્વજિતભાઈ મીઠાના એકમમાં તેમજ રીતુ ખાનગી શિપિંગ પેઢીમાં નોકરી કરતા હતા. પિતા પોતાના
નિત્યક્રમ મુજબ પુત્રીને નોકરીએ મૂકવા જતા હતા તે દરમ્યાન કાળ ભરખી ગયો હતો. સમગ્ર
મામલે પોલીસે વધુ તપાસ આરંભી છે. નોંધપાત્ર છે કે,
છેલ્લા લાંબા સમયથી વહીવટીતંત્ર
માર્ગ સુરક્ષા અને સલામતી જેવા મુદ્દે વિવિધ મોરચે આયોજન કરવામાં આવતાં હોય છે. આ બનાવ સ્થળે અવાર-નવાર સામાન્ય અકસ્માતો થાય છે. આ સર્વિસ રોડ ઉપર ગતિઅવરોધક
મુકવામાં આવે તે સમયની માંગ છે. અકસ્માતનો વધુ એક બનાવ આડેસર -ભીમાસર રોડ ઉપર કેનાલ પાસે આજે સવારના અરસામાં બન્યો હતો. પશુઓને
લઈને વહન કરતી બોલેરો ગાડી અને મોટર સાઈકલ વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં મોટરસાઈકલમાં સવાર અને ગંભીર રીતે ઘવાયેલા ઉતરપ્રદેશના પૂરનચંદ્ર છેદીરામ ગૌતમનું મૃત્યુ થયું હતું. તેમજ અરુણ ગૌતમ (ઉ.વ.18), સમયદ્દીન ગૌતમને અસ્થિભંગ સહિતની
ઈજા પહોંચી હોવાનું અમારા આડેસરના પ્રતિનિધિ ખેંગાર પરમારે જણાવ્યું હતું. હાલમાં તેઓની
ભુજમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આ અંગે વધુ છાનબીન આરંભી છે.