ગાંધીધામ, તા. 31 : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી
નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગાંધીધામમાં
રાષ્ટ્રીય એકતાના સંકલ્પ સાથે રન ફોર યુનિટી યોજાઈ હતી. શહેરના ડીપીટી મેદાન ખાતે ધારાસભ્ય
માલતીબેન મહેશ્વરી, મહાનગરપાલિકાના
મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીન જરૂ, સ્ટેન્ડિંગ કમીટીનાચેરમેન તેજસ શેઠ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય,
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમાર, ગાંધીધામ ચેમ્બરના
પ્રમુખ તેજાભાઈ કાનગડ, કંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ
ગુપ્તા, શહેર ભાજપના પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, દેવેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ ભૂમિત વાઢેર સહિતના અગ્રણીઓએ
લીલીઝંડી આપીને મેરેથોન દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ દોડમાં નશામુક્ત ભારત અને રાષ્ટ્રીય
એકતાના સંકલ્પ સાથે જુદી-જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, એનજીઓ,
સુરક્ષાદળના જવાનો, વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ, નાગરિકો જોડાયા હતા. ધારાસભ્ય માલતીબેન
મહેશ્વરીએ સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા, અખંડિતતા,
રાષ્ટ્રપ્રેમના અભિગમને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. દરમિયાન મહાનગરપાલિકા
દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
હતા. કમિશનર બી.ડી. દાવેરા, મોમાયાભા ગઢવી, મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી, દંડક
સુરેશભાઈ, કોર્પોરેટર વિજયભાઈ પરમાર, તેમજ
અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.