• રવિવાર, 01 નવેમ્બર, 2026

દિવાળીએ મોંઘવારીના મારથી રંગની બજાર બેરંગ બની

હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 31 : સનાતન હિન્દુ સમાજમાં દિવાળીનું અનેરું મહત્ત્વ છે, દિવાળી એટલે ખુશીઓ, પ્રકાશ અને રંગોનો તહેવાર. દિવાળી આવે એટલે દરેકનાં મનમાં નવા ઉમંગ અને ઉત્સાહનો માહોલ છવાઈ જાય છે, આ તહેવારને આવકારવા લોકો પોતાનાં ઘરોની સાફ-સફાઈ  કરી ઘરને સુંદર રંગોથી સજાવે છે. પ્રકાશપર્વની ઉજવણીના ઉમંગનું પ્રતિબિંબ ઘરોને શણગારવા માટે દીવાલો પર ચડાવાતા અવનવા રંગમાં ઝીલાતું હોય છે, પરંતુ આ વખતે મોંઘવારીની માર એવી પડી છે કે, ગ્રાહકરાજાની રંગત વિના દિવાળી પહેલાં રંગની બજાર બેરંગ બનીને રહી ગઈ છે. અગાઉના સમયમાં દીવાલોને સફેદ કલીચૂનાથી રંગવામાં આવતી હતી, ત્યારબાદ ડિસ્ટેમ્પર અને પ્લાસ્ટિક પેઈન્ટ બાદ હવે ટેક્સચરનો યુગ શરૂ થયો છે, કચ્છમિત્રની ટીમે ભુજના જુદા જુદા કલરના વેપારીઓની મુલાકાત લઈ રંગોની બજાર વિશે વિગતો મેળવી હતી. - દીવાલોની ખામી ઢાંકતું ટેક્સચર : શહેરનાં સ્ટેશન રોડ પર આવેલી ઈન્ડોસેમ-પાર્શ્વ એન્ટરપ્રાઈઝના શ્રેયાંશ શાહે જણાવ્યું હતું કે, અગાઉ પ્લાસ્ટિક પેઈન્ટની જગ્યા ટેક્સચર લઈ રહ્યું છે, આ કોન્સેપ્ટ દીવાલોની મજબૂતાઈ સાથે મકાનની તિરાડો, રફ પ્લાસ્ટર સહિતની ખામીઓને ઢાંકી દે છે. આ કોન્સેપ્ટમાં ઘરની અંદરની દીવાલો માટે ટેક્સચરમાં માર્બલ, ભૌમિતિક, મેટાલિક જેવી અનેક ડિઝાઈન પણ બજારમાં ઉપલબ્ધ છે. આ ટેક્સચરમાં રષ્ટિક, બબલ જેવી વિવિધ વેરાયટી આવે છે. - ભાવોમાં 20થી 25 ટકા વધારો : આ વખતે યુદ્ધની સ્થિતિએ વધેલી મોંઘવારીની જાળ કલર બજારનેય લાગી છે, છેલ્લા છ મહિના દરમ્યાન પેઈન્ટના ભાવોમાં 20થી 25 ટકા વધારો થયો છે, જેની અસર લોકોનાં બજેટ પર પણ પડતાં મંદી જેવો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે. મોંઘા કલરો અને કલરના ખર્ચ જેટલી અથવા તો તેના કરતાંય વધુ મજૂરીનાં કારણે ઘરને કલર કરાવવાનું ટાળી  રહ્યા છે. જો કે, કલરોના ઊંચા ભાવોની અવેજીમાં કેટલાક લેકો દીવાલો પર વોલપેપર પણ લગાવતા હોય છે. તેમની પાસે ઈન્ડોસેમ, એશિયન પેઈન્ટ, ઓપસ, બિરલા કંપનીની ડિલરશિપ છે, જેની રેન્જ 20 લિટરનાં બકેટ 3500થી 12 હજાર સુધીના ઉપલબ્ધ છે. - મોટી કંપનીઓએ રેન્જ વધારી : ન્યૂ સ્ટેશન રોડ પર આવેલી અરિહંત ટ્રેડિંગના કેવલ વિરેન શાહે જણાવ્યું કે, કલરની દુનિયામાં મોટી કંપનીએ હવે રેન્જ વધારી નાખી હોવાથી તેની અસર નાની કંપનીઓ પર પડી રહી છે. - ડેમ્પ પેઈન્ટનું ચલણ : દીવાલોને મજબૂતાઈ બક્ષતા ડેમ્પ પેઈન્ટનુંયે ચલણ વધ્યું હોવાનું શ્રી શાહે જણાવ્યું હતું. આ પેઈન્ટથી દીવાલો ભેજથી બચાવી શકાય છે અને છતમાંથી લિકેજ  અટકાવી શકાય છે. તેમની પાસે ઈન્ડોસેમ, બિરલા અને ઓપસ જેવી કંપનીના પેઈન્ટ ઉપલબ્ધ છે. - પ્લાસ્ટિક પેઈન્ટનો દબદબો યથાવત્ : ટેક્સચરનાં વધતાં ચલણ સામે પ્લાસ્ટિક પેઈન્ટનો દબદબો યથાવત્ હોવાનું કેવલે જણાવ્યું હતું. આ ઉપરાંત બજારમાં એશિયન પેઈન્ટ, નેરોલેક, બર્જર, કફુ, પીટીસી, ઈન્ડિગો, જેકે પેઈન્ટ, તારા પેઈન્ટસ, જેએસડબલ્યુ જેવી મોટી મોટી કંપનીઓના કલરો પણ ઉપલબ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd