અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : સરદાર
વલ્લભભાઈ પટેલની જન્મજયંતી રાષ્ટ્રીય એકતા દિવસે ગૃહ મંત્રાલયે વર્ષ 2026 માટે પ્રતિષ્ઠિત કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકની સત્તાવાર જાહેરાત
કરી છે. આ રાષ્ટ્રીય પુરસ્કાર અંતર્ગત દેશભરના વિવિધ સુરક્ષા દળોમાંથી કુલ 490 કર્મીની પસંદગી કરવામાં આવી
છે, જેમાં જટિલ ગુનાઓને ઉકેલવા વૈજ્ઞાનિક તપાસ ક્ષેત્રે
વિશિષ્ટ પ્રદાન બદલ ગુજરાત પોલીસના કચ્છ ખાતે ફરજ બજાવતા અધિકારી સહિત છ અધિકારીની
પસંદગી કરાઈ છે. તા. 1 ફેબ્રુઆરી, 2024થી આ પદકની
શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના છ અધિકારીને ઇન્વેસ્ટિગેશન ફિલ્ડમાં અનુકરણીય
કામગીરી બદલ આ પ્રતિષ્ઠિત પદક એનાયત કરવામાં આવ્યું છે, જેમાં ભુજ રિજિયન કચેરીમાં સી.આઇ.ડી.-આઇ.બી.ના
પોલીસ અધીક્ષક એસપી અંશુલ જૈન, એએસપી સિમરન ભારદ્વાજ,
ડીવાયએસપી રણજિતસિંહ સિંઘલ, પોલીસ ઇન્સ્પેક્ટર
જયેશ ઠાકોર, પોલીસ ઇન્સ્પેક્ટર પાર્થેન્દ્રસિંહ વાઘેલા,
પોલીસ ઇન્સ્પેક્ટર ગુણવંત મનુભાઈ હડિયાનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ બદલ ખુશી વ્યક્ત કરતા રાજ્યના પોલીસવડા
જ્ઞાનેન્દ્રાસિંહ મલિકે તમામ અધિકારીઓને અભિનંદન પાઠવવ્યાં હતાં. ડીજીપીએ જણાવ્યું
કે, ગુજરાત પોલીસના કર્મઠ અધિકારીઓને રાષ્ટ્રીય સ્તરે મળેલું
આ પ્રતિષ્ઠિત સન્માન સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે તેમની
ઊંડાણપૂર્વકની અને નિષ્ઠાવાન કામગીરી અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.