ભુજ, તા. 26 : ભુજથી દિલ્હી માટે આજથી નવી
ફલાઈટ શરૂ થતાં કચ્છના લોકોને દિલ્હી જવા જવા-આવવા
માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થયો છે. 164 મુસાફરોની ક્ષમતા ધરાવતી એર ઈન્ડિયાની ફલાઈટથી નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો આમ
પ્રવાસીઓ માટે હવાઈ કનેક્ટિવિટીનાં ક્ષેત્રમાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. સાંસદ
વિનોદભાઈ ચાવડાએ આ નવી ફલાઈટ સેવાને આવકારતાં કચ્છના વિકાસ અને હવાઈ જોડાણની દિશામાં
આવકારદાયક પગલાં બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર
વ્યક્ત કર્યો હતો. નવી સમયસૂચિ અનુસાર ભુજથી દિલ્હી જતી ફાઈલટ સવારે 8.15 કલાકે ઉડાન ભરીને સવારે 9.45 કલાકે દિલ્હી પહોંચશે. જ્યારે
દિલ્હીથી ભુજ આવતી ફલાઈટ સવારે 5.50 કલાકે ઊપડીને
સવારે 7.35 કલાકે ભુજ પહોંચશે. અત્યાર
સુધી ભુજથી દિલ્હી માટે સાંજના સમયે એક ફલાઈટ કાર્યરત હતી, ત્યારે નવી સવારની ફલાઈટ શરૂ થવાથી મુસાફરોને
પોતાની અનુકૂળતા મુજબ મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે. સાંસદશ્રી ચાવડાએ વધુમાં
જણાવ્યું હતું કે, મુંબઈ માટે પણ સવારે અને બપોરે ફાઈલટ સેવા
ઉપલબ્ધ હોવાથી ભુજથી દિલ્હી અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરીના વિકલ્પોમાં વધારો થયો છે.