• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

મોડવદર-જવાહરનગર બ્રિજ વચ્ચે ટ્રક હડફેટે યુવાનનું અકાળે મોત

ગાંધીધામ/ભુજ, તા. 26 : મોડવદર-જવાહરનગર બ્રિજ વચ્ચે ધોરીમાર્ગ પર ટ્રકએ બાઇકને ટક્કર મારતાં હરબિલાસ મનોહરલાલ શર્મા નામના યુવાનનું મોત થયું હતું. તેમજ મીઠી રોહર નજીક ટ્રકની હડફેટે ચડતાં એકિટવાચાલક ધર્મેશ ભોગીલાલ કોઠારી (ઉ.વ. 48)એ જીવ ખોયો હતો. બીજી બાજુ ગાંધીધામમાં ઉષા મેઘજીભાઇ મહેશ્વરી (ઉ.વ. 15) નામની કિશોરીએ તેમજ માધાપર હાઇવે પરની ઝૂંપડપટ્ટીમાં પણ 15 વર્ષીય કિશોરી સપનાબેન ધોલાભાઇ વાસપોડાએ ગળેફાંસો ખાઇ જીવ દીધા હતા.

વરસામેડીની ગાયત્રી ટાઉનશિપ વિસ્તારમાં રહેનાર હરબિલાસ શર્મા આજે બપોરે બાઇક નંબર જી.જે.-39-બી- 6426 લઇને મીઠી રોહરથી ગાંધીધામ બાજુ આવી રહ્યો હતો દરમ્યાન મોડવદર અને જવાહર નગર બ્રિજ વચ્ચે ધોરીમાર્ગ પર ટ્રજક નંબર એચ.આર. -69-એફ.-0731એ આ બાઇકને હડફેટમાં લેતાં બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ટ્રક ચાલક સામે યુવાનના પત્ની મમતાદેવીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

વધુ એક બનાવ ગત તા. 23-10ના મીઠી રોહર ગૌતમ ઓટો મોર્ટર (ટાટા શો રૂમ) નજીક ભચાઉથી ગાંધીધામ આવતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. ગૌતમ શો રૂમમાં કામ કરનાર ધર્મેશભાઇ એકિટવા નંબર જી.જે.- 12-ઈઆર-3002 લઇને ગાંધીધામ બાજુ આવી રહ્યા હતા ત્યારે પાછળથી ટ્રક નંબર જી.જે.-12-બી.ઝેડ.- 8562એ મોપેડને હડફેટમાં લેતા ચાલક નીચે પટકાયા હતા બાદમાં તોતિંગ વાહનના પૈડાં તેમના પરથી ફરી વળતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ટ્રક ચાલક સામે ભાવેશ ભોગીલાલ કોઠારીએ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ ગાંધીધામના મહેશ્વરીનગર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેનાર ઉષા મહેશ્વરી નામની કિશોરી ગત તા. 25-10ના સવારે પોતાના ઘરે હતી. દરમ્યાન અગમ્ય કારણોસર તેણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભુજ સમીપેના માધાપર હાઇવે પર ઇન્ડિયન ગેસની બાજુમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી સગીરા સપનાબેન વાસપોડાએ ગઇકાલે ઝૂંપડામાં ગળેફાંસો ખાઇ લેતાં તેના માતા રેખાબેન તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં લખાવાઇ છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd