મુન્દ્રા, તા. 26 : તાલુકાનાં ગેલડા ગામ નજીકના
નદી વિસ્તારમાંથી છેલ્લા પાંચ- સાત વર્ષથી ભૂ-માફિયાઓ દ્વારા સતત રેતી અને ખનીજ ચોરી
તેમજ ગ્રામજનો પર જીવલેણ હુમલાઓ પણ થતા હોવાની તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જિ.પં.
સદસ્ય નેહલબા સુલતાનાસિંહ જાડેજાના પ્રતિનિધિ સુલતાનાસિંહ જાડેજાની આગેવાનીમાં મોટી
સંખ્યામાં ગ્રામજનો દ્વારા મુન્દ્રા પ્રાંત કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગેલડા ગ્રામ પંચાયત સરપંચ ધુડી પી. દાતણીયા તેમજ 175 ગ્રામજનોની સહી સાથેના જિલ્લા કલેકટર, મુન્દ્રા નાયબ કલેકટર તેમજ મુન્દ્રા એએસપીને
સંબોધીને પાઠવવામાં આવેલા પત્રમાં આક્ષેપો
સાથે જણાવવામાં આવ્યું કે, ગેલડા નજીક નદી વિસ્તારમાં અમુક લે-ભાગુ
તત્વો અને ભૂ-માફિયાઓ દ્વારા છેલ્લા પાંચ - સાત વર્ષથી સતત રેતી અને ખનીજ ચોરી કરાય
છે. જેને અટકાવવા માટે સ્થાનિક પ્રશાસનને જાણ કરી પરંતુ સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક
પોલીસ કોઈ જાતની આવા તત્વો તથા માફિયાઓની ચોરી
અને ગ્રામલોકોને સતત હેરાનગતિ અને પરેશાની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. પત્રમાં
માંગ કરાઈ કે, હાલે છેલ્લા બે થી ત્રણ મહિનામાં મોટા પ્રમાણમાં
રેતી ચોરી કરાય છે. જેને અટકાવવામાં આવે. આ રેતી ચોર લોકો ખૂબ જ ઝનુની છે. રેતી ચોરીથી
ભરેલી ગાડીઓ રસ્તા ઉપર બેફામ ચલાવે છે. થોડાક સમય પહેલા લોકો દ્વારા તેઓને અટકાવતાં
તેઓએ ધાકધમકી આપી અને માર પણ માર્યો છે. છતાં સ્થાનિક તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા
નથી. પત્રમાં આક્ષેપ કરાયો કે, તેઓને રોકવામાં આવ્યા નથી. કારણ કે આવા લોકો તંત્રને નિયમિત
હપ્તો આપતા હોય છે, અને તંત્ર તેઓને છાવરે છે. તેથી આવા ઈસમો
સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરાય.