• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

અરુણાચલમાં ચીની સૈનિક ઘુસ્યા

નવી દિલ્હી, તા. 26 : ચીની સૈનિકો અપર સુબનસિરી જિલ્લામાં ભારતીય સરહદની અંદર 40થી 50 કિલોમીટર સુધી ઘૂસી આવ્યા હોવાનો અરુણાચલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બોસીરામ સિરામે દાવો કર્યો હતો. દરમિયાન, સેનાએ એક વાયરલ વીડિયોને બનાવટી ગણાવતાં કોંગ્રેસનો દાવો ફગાવ્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, સિરામે જણાવ્યું હતું કે, સરહદ પર અનેક સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો સામસામે આવી ગયા છે, જેના કારણે સૈનિકોની પેટ્રાલિંગ પ્રક્રિયા અને સ્થાનિક રહેવાસીઓની અવરજવરમાં અવરોધ ઊભો થયો છે. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીને ટાંકીને સિરામે દાવો કર્યો હતો કે, જુલાઈના છેલ્લા સપ્તાહ દરમિયાન સૈનિકો વચ્ચે ઝપાઝપી અને લાકડીઓનો ઉપયોગ થવાની ઘટનાઓ બની હતી. દરમિયાન, ભારતીય સેનાએ એક વાયરલ વીડિયોને બનાવટી ગણાવ્યો હતો, જેમાં અરુણાચલ પ્રદેશમાં ચીની કબજા અંગેના દાવા કરવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું હતું કે, આ વીડિયો ઓક્ટોબર 2023માં જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સના ફૂટેજ સાથે છેડછાડ કરીને બનાવવામાં આવ્યો છે. બોસીરામ સિરામના નેતૃત્વ હેઠળ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ટાંગા બ્યાલિંગ સહિતના એક પ્રતિનિધિમંડળે 26થી 29 ઓગસ્ટ દરમિયાન અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી. આ મુલાકાત બાદ સિરામે જણાવ્યું હતું કે, સરહદ પર ચીની સૈનિકોની ગતિવિધિઓની તપાસ થવી જોઈએ. સ્થાનિક લોકો હવે એવા વિસ્તારોમાં જઈ શકતા નથી જ્યાં તેઓ અગાઉ યાક ચરાવવા, જંગલમાંથી જરૂરી સંસાધનો એકત્ર કરવા અને શિકાર કરવા જેવી પ્રવૃત્તિઓ માટે જતા હતા. સિરામે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd