નવી દિલ્હી, તા. 26 : ભારતમાં ચીની
સ્માર્ટફોન કંપનીઓનો બજારમાં હિસ્સો સતત ઘટી રહ્યો છે. મેમરી ચિપ્સની વધતી કિંમતના
કારણે બજેટ સ્માર્ટ ફોન બનાવવા મોંધા થયા છે.
જેનાથી કંપનીઓ ઓછી કિંમતના ફોનના ફીચર્સમાં કાપ મૂકી રહી છે અને પ્રીમિયમ સેગમેન્ટ
ઉપર વધારે ધ્યાન આપી રહી છે. બીજી તરફ લાવા અને એઆઇપ્લસ જેવી ભારતીય બ્રાન્ડસને ફાયદો
થઈ રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે જુલાઈ-સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચીની બ્રાન્ડસની
હિસ્સેદારી ઘટીને 67-68 ટકા રહી છે.
ઓમડીયા અનુસાર ગત ત્રિમાસિક ગાળામાં આંકડો 71 ટકા અને એક વર્ષ પહેલા 75 ટકા હતો જ્યારે કાઉન્ટર પોઇન્ટ રિસર્ચ અનુસાર ચીની કંપનીઓની
હિસ્સેદારી ઘટીને 67 ટકા થઈ છે.
જે 2019ના પહેલા ત્રિમાસિક ગાળા કરતા
સૌથી ઓછી છે. વીવો, ઓપ્પો અને
શાઓમી જેવી કંપનીઓએ અફોર્ડેબલ સ્માર્ટફોન્સના દમ ઉપર ભારતીય માર્કેટમાં મજબૂત પકડ બનાવી
હતી. જો કે મેમરી ચીપની કિંમતમાં વધારાનાં કારણે પડતર પણ વધી છે. તેવામાં ઓછી કિંમતે
વધારે ચીપ અને સ્ટોરેજ ધરાવતા સ્માર્ટફોન લોન્ચ કરવા મુશ્કેલ બની રહ્યા છે. આ સ્થિતિનો
ફાયદો ભારતીય બ્રાન્ડ્સને મળી રહ્યો છે.