અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદના
સીટીએમ પાસે આવેલા એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસેથી રામોલ પોલીસે બાતમીના આધારે મહારાષ્ટ્રના
માલેગાવ ખાતે રહેતા યુવકને ગેરકાયદે હથિયારો સાથે ઝડપી પાડયો છે. પોલીસે તેની પાસેથી
દેશી બનાવટની બે પિસ્તોલ, બે જીવતા કારતૂસ
મળી કુલ 61,600 રૂપિયાનો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર માલેગાંવના ઉબેત અંસારીએ ભુજના
સાજીદ સતારભાઈ નોડેને પહોંચાડવા આપ્યા હોવાનું ખૂલ્યું છે. રામોલ પોલીસે આરોપીની ધરપકડ
કરીને વધુ તપાસ હાથ ધરી છે. રામોલ પોલીસને પેટ્રાલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી આવેલ એક શખ્સ હથિયાર સાથે પસાર
થઈ રહ્યો છે. પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઇવે ટોલટેક્સ પાસે પંચો સાથે વોચ ગોઠવી શંકાસ્પદ
હાલતમાં પસાર થતા ઝાકિરબેગ મીરઝાને કોર્ડન કરી ઝડપી લીધો હતો, તેની ઝડતી લેતાં પાસ-પરમિટ વગરની બે પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે, તે માત્ર કેરિયર તરીકે
કામ કરતો હતો. તેને ભુજના સાજીદ નોડે સુધી આ હથિયારો પહોંચાડવાનું જણાવાયું હતું. આ
કામના બદલામાં તેને 3000 રૂપિયા કમિશન
અને આવવા-જવાનો ખર્ચ આપવાનું નક્કી કરાયું હતું. આરોપી ઝાકિરબેગ તથા વોન્ટેડ ઉબેત અંસારી
અને સાજીદ નોડે વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી
છે.