• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

પ્રખ્યાત બન્ની પોતાનું મહત્ત્વ ટકાવવા ઝઝૂમે છે

અલીમામદ રાયશી દ્વારા : ભીરંડિયારા (તા. ભુજ), તા. 26 : દેશ આઝાદ થયો ત્યારથી બન્ની શોધી રહ્યંy છે પોતાનું અસ્તિત્વ સન 1955થી રક્ષિત જંગલ જાહેર થયું ત્યારથી અસ્તિત્વ બચાવવાની મથામણ વચ્ચે 49 ગામનું સેટલમેન્ટ થઈ જશે તેવું સૂત્રોમાંથી જાણવા મળે છે પણ ક્યારે સ્થાયી અસ્તિત્વ મળશે તે નક્કી ન હોવાથી સરકાર વહેલી તકે સેટલમેન્ટ કરે તેવી માંગ માલધારી વર્ગમાંથી ઊઠી છે.

અસ્તિત્વનો સવાલ

લાખો લીટર દૂધ જ્યાં એકઠું થાય એ બન્ની વિસ્તાર. જ્યાં શુદ્ધ ઘી, માખણ મળે એ વિસ્તાર એટલે બન્ની. જ્યાં માનવ મહેકે અને પોતાપણું મળે એ વિસ્તાર એટલે બન્ની.... 2008-2009થી કચ્છ માટે એ ઐતિહાસિક ક્ષણ હતી. જ્યારે હાલના પી.એમ. નરેન્દ્ર મોદી રણ ઉત્સવની જાહેરાત કરી. એક દિવસ -બે દિવસની સફરથી શરૂ થયેલો રણ ઉત્સવ આજે ચાર મહિના સુધી ઊજવાય છે.  બન્નીના રહેવાસીઓને રોજગાર આપવાની નેમ સાથે શરૂ થયેલા રણ ઉત્સવમાં ઊંડે સુધી તપાસ કરીએ તો ટેન્ટસિટીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો જોડાયેલા છે. આ માત્ર એક મુદ્દો નહીં પણ અસ્તિત્વનો સવાલ છે. 1947માં દેશ આઝાદ થયો, આજે 80 વર્ષ વિત્યા છતાં પણ બન્નીના અસ્તિત્વ માટે 19 પંચાયતનો સમૂહ હવે લડત કરે છે. 49 ગામના સેટલમેન્ટ માટે વર્ષોથી વન ખાતાના વહીવટને લઈને પણ અનેક જાતના પ્રશ્નો ઊઠી રહ્યા છે.  થોડા સમય પહેલાં બન્નીમાંથી વાડાઓનું દબાણ હટાવવામાં આવ્યું, કોર્ટના આદેશનું પાલન થયું અને તમામ વાડાઓ હટાવી દેવામાં આવ્યા. ત્યારબાદ ફરી એકવાર વાવેતર થયેલા વાડાઓ પર જ્યારે જંગલ ખાતા દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યારે મજૂર અને માલધારી લોકો જે સ્થિતિમાંથી પસાર થયા તે કદાચ શબ્દોમાં ન વર્ણવી શકાય. સરકાર વહેલી તકે બન્ની વિસ્તારનું સેટલમેન્ટ કરે આપે તે જરૂરી બન્યું છે. પોતાની વેશભૂષા હોય, તૂટેલી-ફૂટેલી ભાષા હોય કે પછી મહેમાનો માટેની ઓળખ હોય કે પછી અજાણ્યા વ્યક્તિની વિના સ્વાર્થ મદદ માટે પહોંચવું. વિશેષ રૂપમાં બન્નીમાં આજે 18 વર્ષથી રણ ઉત્સવ જેવી મોટી ઈવેન્ટનું આયોજન થાય છે. આવનારા પ્રવાસીઓ હંમેશાં લોકોને યાદ કરતા હોય છે. અનેક ખૂબીઓ ધરાવતો વિસ્તાર બન્ની હાલે પોતાનું મહત્ત્વ ટકાવવા ઝઝુમી રહ્યો છે.

નાગરિકો શું કહે છે

જાગૃત નાગરિકોનું કહેવું છે કે, બન્નીનો રહેવાસી વાડા-બનાવી પોતાના માલ માટે કોઈ ઉત્પાદન કરે છે ત્યારે ઉચ્ચ અધિકારીઓના કાફલા બન્ની વિસ્તારના વાડાઓ પર ધોંસ બોલાવી દે છે. બે-ચાર દિવસ પહેલાં બન્ની વિસ્તારના વાડાઓ પર જ્યારે તંત્ર બુલડોઝર લઈને પહોંચ્યું ત્યારે જે લોકોની કેફિયત હતી તે કદાચ પેન દ્વારા ન વર્ણવી શકાય. અનેક ગરીબ લોકોએ પોતાના ઘરના દાગીના ગીરવી રાખીને વાડાઓમાં એરંડા/ ગુવારનું વાવેતર કર્યું હતું. જે પાક લેવાય એ પહેલાં જ તંત્રે કાર્યવાહી કરતાં અનેક પરિવારો પર આભ તૂટી પડયું હતું. અનેક સમસ્યા છતાં પણ ઘણા સમયથી પરિવારો માંગણી કરી રહ્યાં છે કે અમને હક આપો. વર્ષોથી પંચાયતમાં વેરા ભરતા લોકો આજે પણ બે ઘર જેવી સ્થિતિમાં મૂકાયેલા છે. બન્ની વિસ્તારની 19 પંચાયત, 49 જેટલા ગામ ધરાવતો વિસ્તાર આજે પણ મીટ માડીને બેઠો છે કે અમને અમારી પોતાની બન્ની આપો.

પાછળ ધકેલાય છે

ઘાસ સુધારણા પ્રોજેક્ટ તળે જ્યારે વન ખાતાએ તારબંધી શરૂ કરી ત્યારે આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકોએ વિરોધ કર્યો પણ અંદરખાનેથી બધું જાણવા છતાં ચુપકીદી સેવી લીધી. જે આજ દિવસ સુધી બન્ની વિસ્તારને દિવસે-દિવસે અધોગતિ તરફ ધકેલી રહી છે. અલગ-અલગ ગામડાઓમાં જંગલખાતાએ જ્યારે વાડાઓ બનાવ્યા ત્યારે પશુઓ માટેનો ચરિયાણ પ્રદેશ નાબુદ થવા લાગ્યો. બન્નીને બન્ની રહેવા દો ની ચળવળ ચાલી. અવાજ ઉઠાવનારા આ ફાની દુનિયાને છોડીને જતા રહ્યા અને પછી શરૂ થઈ બન્નીના અસ્તિત્વની લડાઈ. બન્નીની સંસ્કૃતિને બચાવવાની હોડ, બન્નીના દરેક રહેવાસીને પોતાનો હક્ક મળે તે માટે લડત ચાલી, પણ આજ સુધી સફળતા માત્ર શૂન્ય છે. વર્ષોથી બન્ની પોતાની માલધારિયત માટે આખા વિશ્વમાં વિખ્યાત છે. કુંઢી ભેંસને રાષ્ટ્રીય માન્યા મળી પણ માલધારીને ન મળી. પોતાની હકની જમીન અનેક લેખિત ને મૌખિક રજૂઆતો છતાં પણ લોકો હજી પણ અસમંજસમાં છે કે બન્નીના ભવિષ્યનું શું ?

સંસ્થાઓ નજરે પડતી નથી

એક પ્રશ્ન એવો છે કે, બન્ની વિસ્તારમાં વર્ષોથી કામ કરતી માનવતાવાદી સંસ્થાઓ ક્યાંય નજરે પડતી નથી. શું બન્નીમાં લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પર કામ કરતી સંસ્થાઓ જ્યારે બન્નીના અસ્તિત્વની વાત આવે ત્યારે રહસ્યમય રીતે ગુમ થઈ જાય છે. વર્ષોથી માલધારીઓ પોતાની લડાઈ લડી રહ્યા છે. ત્યારે નામી, અનામી ઘણી એવી એન.જી.ઓ. છે કે જે ક્યાંય નજરે પડતી નથી.

સ્ટોલ બનાવે તો નોટિસ મળે

બન્નીમાં એક વેધક પ્રશ્ન થઈ રહ્યો છે કે, અમે વર્ષોથી અહીં વસવાટ કરીએ છીએ પણ અમારી પાસે માલિકીનું કંઈ નથી. બન્નીમાં બન્નીની કોઈ વ્યક્તિ પોતાના રોજગાર માટે નાની હોટેલ, ટી-સ્ટોલ બનાવે તો પાંચથી આઠ દિવસમાં નોટિસ મળે કે તમારું બાંધકામ તોડી પાડવામાં આવશે. અહીં એક વાત નોંધવી ઘટે કે પંચાયતી રાજમાં બન્નીમાં સર્વેસર્વા પંચાયત છે. જ્યારે પંચાયતની આકારણી પર જગ્યાની નોંધણી હોવા છતાં પણ દબાણ ઘણીને તોડી પાડવામાં આવે તે કેટલું યોગ્ય છે. બન્નીના લોકો સવાલ ઉઠાવે છે કે, અમારી પાસે પંચાયત સિવાય કોઈ આધાર નથી, પંચાયત જ્યારે સરકારના નેજા હેઠળ ચાલે છે તો પછી પંચાયતની પરવાનગી છતાં શું કામ દબાણો કરીને તોડી પાડવામાં આવે છે. વર્ષોથી દબાણ દબાણ કરીને લોકોના રોજગાર છીનવાઈ રહ્યા છે.

બન્નીમાં પ્રવાસીઓ માટે બનેલા હોમસ્ટે અને હોટેલ માલિકોને લાયસન્સ બનાવી આપવામાં આવે. જેથી કરી આયોજન કરીને પ્રવાસીઓને સુવિધા પૂરી પાડી શકાય. વર્ષોથી હોમસ્ટેના માલિકો પણ લાયસન્સની હરોળમાં છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd