દીપક માંકડ : ભુજ, તા. 26 : સામાન્ય રીતે ભારતીય સમાજમાં
એક એવી પ્રબળ ધારણા પ્રવર્તે છે કે, જૈન સમુદાય એટલે કે અત્યંત સમૃદ્ધ, વેપારી અને આર્થિક
રીતે સુખી-સંપન્ન વર્ગ, પરંતુ વાસ્તવિકતા આ ધારણા કરતાં ઘણી અલગ
છે. આજના આધુનિક યુગમાં પણ જૈન સમુદાયમાં એવા અનેક જરૂરિયાતમંદ પરિવારો છે,
જે ગરીબી રેખા નીચે જીવન વીતાવી રહ્યા છે, જેમને
ગુણવત્તાયુક્ત શિક્ષણ, રોજગારી અને ઉદ્યોગ સાહસિકતા માટે આર્થિક
સહાયની અનિવાર્ય આવશ્યકતા છે.
આ જ વાસ્તવિકતાને સ્વીકારીને,
જૈન ધર્મના સર્વાંગી વિકાસ, કાનૂની હકોના રક્ષણ
અને પાયાના સ્તરે રહેલા જરૂરિયાતમંદ પરિવારો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે
એક મજબૂત સંગઠનાત્મક માળખું ઊભું કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રીનો દરજ્જો ધરાવતા લલિત
ગાંધી જૈન ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન છે. આગામી રવિવારે પહેલી નવેમ્બરે
મુંબઇ ખાતે સવારે 10 વાગ્યાથી
યોજાનાર કાર્યક્રમમાં જૈન સમાજના મહિલાઓ, યુવાઓને વ્યવસાય, ઉચ્ચ શિક્ષણ, વિદેશમાં શિક્ષણ માટે વગર વ્યાજની લોનની યોજનાઓ પ્રદર્શિત કરવામાં આવશે. કાર્યક્રમના
દિવસે જ 51 કરોડની યોજનાઓ
તૈયાર છે.
આ અનુસંધાને શ્રી લલિત ગાંધી સાથે જન્મભૂમિપત્રોએ ખાસ ટેલિફોનિક
વાતચીત કરી હતી. શ્રી ગાંધીએ લઘુમતી જૈનના કલ્યાણ માટે ચાલેલી લાંબી લડતની વિસ્તૃત
વિગતો આપીને જણાવ્યું હતું કે, આ પ્રકારનું
નિગમ લાવનાર મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે,
મહારાષ્ટ્રના વિકાસમાં કચ્છી અને ગુજરાતી જૈનોનું જબરજસ્ત યોગદાન છે.
લક્ષ્ય બિલકુલ સ્પષ્ટ છે. સક્ષમ યુવાઓ, મહિલાઓની પ્રગતિ નાણાંના અભાવે હવે અટકશે નહીં.
એ જોવા જેએમડીએફસી પ્રતિબદ્ધ છે.
શ્રી ગાંધી સાથેની વાતચીત આ મુજબ રહી-
* ભારતમાં જૈન સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યક (છયહશલશજ્ઞીત ખશક્ષજ્ઞશાyિં) તરીકેનો દરજ્જો મળવાની સફર કેવી રીતે
શરૂ થઈ અને તેના માટે કયા ઐતિહાસિક નિર્ણયો લેવાયા?
- જૈન ધર્મને લઘુમતીનો દરજ્જો અપાવવા પાછળનો ઇતિહાસ માત્ર કોઈ
એક દિવસનો કે ટૂંકાગાળાનો નિર્ણય નથી, પરંતુ તે એક સદીથી પણ વધુ સમય સુધી ચાલેલી કાનૂની, સામાજિક
અને બંધારણીય લડતનું પરિણામ છે. જૈન પ્રતિનિધિઓએ દાયકાઓથી જૈન ધર્મની સ્વતંત્રતા અને
લઘુમતી દરજ્જા અંગે પુરાવાઓ સાથે રજૂઆતો કરી હતી. સમાજે સતત એ દલીલ કરી કે જૈન ધર્મ
એ ભારતીય ઉપખંડનો અત્યંત પ્રાચીન, મૌલિક અને સ્વતંત્ર ધર્મ છે,
જે અન્ય ધર્મોથી તદ્દન અલગ આગવી દાર્શનિક અને સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે.
* ભારતમાં જૈન સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યક તરીકેનો ઐતિહાસિક
નિર્ણય ક્યારે લેવાયો?
- આ લાંબી કાનૂની અને સામાજિક મથામણના અંતે 27 જાન્યુઆરી-2014ના કેન્દ્ર સરકાર દ્વારા એક
અત્યંત ઐતિહાસિક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આ નોટિફિકેશન દ્વારા જૈન ધર્મને
અધિકૃત રીતે રાષ્ટ્રીય કક્ષાએ છઠ્ઠા ધાર્મિક લઘુમતી સમુદાય તરીકે મંજૂરી આપવામાં આવી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મુસ્લિમ,
ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને
પારસી ધર્મો જ આ યાદીમાં શામેલ હતા. આ મંજૂરી માત્ર એક સરકારી નિર્ણય નહોતો,
પરંતુ જૈન ધર્મની અનન્ય સાંસ્કૃતિક ઓળખ અને સ્વતંત્ર ધાર્મિક અસ્તિત્વને
મળેલી કાનૂની સ્વીકૃતિ હતી.
* બંધારણીય દૃષ્ટિએ લઘુમતીનો દરજ્જો મળ્યા બાદ જૈન સમાજને કયા-કયા
મૂળભૂત અધિકારો અને વિશેષ લાભો મળવા પાત્ર બન્યા છે?
- શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન : જૈન સમાજ પોતાની સ્વતંત્ર
શૈક્ષણિક સંસ્થાઓ (જેવી કે શાળાઓ, કોલેજો
અને ટ્રસ્ટ સંચાલિત યુનિવર્સિટીઓ)ની સ્થાપના કરી શકે છે અને તેનું સ્વનિર્ભર સંચાલન
કરી શકે છે. આવી સંસ્થાઓમાં 50 ટકા સુધીની બેઠકો જૈન સમુદાયના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની
પણ જોગવાઈ મળે છે.
- ધાર્મિક અને સાંસ્કૃતિક સંરક્ષણ : જૈન સમાજ પોતાની ભાષા, લિપિ, સંસ્કૃતિ તેમજ દેશભરમાં
આવેલા પોતાના પ્રાચીન ધાર્મિક તીર્થસ્થાનો અને ધરોહરોનું રક્ષણ તથા સંવર્ધન કરવા માટે
સંપૂર્ણપણે સ્વતંત્ર અને સક્ષમ બને છે.
- સરકારી યોજનાઓ અને સ્કોલરશીપનો લાભ : આ દરજ્જાના કારણે જૈન વિદ્યાર્થીઓ
માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લઘુમતી શિષ્યવૃત્તિઓ, વિદેશ અભ્યાસ માટેની રાહતદારી લોન અને કૌશલ્ય
વિકાસ યોજનાઓના દરવાજા ખૂલી જાય છે.
* જૈન સમુદાયને એક છત્ર નીચે લાવવા અને રાષ્ટ્રીય સ્તરે સંગઠિત
કરવા માટે `અખિલ ભારતીય જૈન અલ્પસંખ્યક મહાસંઘ'ની સ્થાપના પાછળની પૃષ્ઠભૂમિ શી હતી?
- જ્યારે સરકારી સ્તરે લઘુમતી દરજ્જાની પ્રક્રિયા ચાલી રહી હતી
ત્યારે એવો અનુભવ થયો કે, ભારતના અલગ-અલગ
પ્રાંતોમાં વસતા જૈનોને એક સમાન મંચ પર લાવતી કોઈ કેન્દ્રીય વ્યવસ્થા નહોતી. આ અસંગઠિત
સ્થિતિને દૂર કરવા માટે 27 જાન્યુઆરી, 2014ના એક મહત્ત્વપૂર્ણ
બેઠક મળી અને તેના પરિણામે 14 ફેબ્રુઆરી, 2014ના `અખિલ ભારતીય જૈન અલ્પસંખ્યક મહાસંઘ'ની રાષ્ટ્રીય કક્ષાએ સ્થાપના કરવામાં આવી. આ
મહાસંઘનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભારતના કોઈ પણ ખૂણે રહેલો જૈન પરિવાર સરકારી યોજનાઓથી
વંચિત ન રહે અને એક જ છત્ર હેઠળ તેને તમામ કાનૂની તથા આર્થિક અધિકારો મળી રહે.
* મહાસંઘની સ્થાપના બાદ છેલ્લા એક દાયકામાં જૈન સમાજમાં જાગૃતિ
લાવવા માટે કેવા પ્રકારના અભિયાનો ચલાવવામાં આવ્યા છે અને તેના શું પરિણામો આવ્યા છે?
- મહાસંઘની રચના પછી સમગ્ર ભારતમાં જૈન જાગૃતિ અને પ્રચાર-પ્રસારનું
કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું. છેલ્લા એક દાયકામાં મહાસંઘની ટીમોએ સમગ્ર ભારતમાં
ત્રણથી વધુવાર વ્યાપક ભ્રમણ કર્યું છે : દેશભરમાં 1800 જેટલી વિશાળ પબ્લિક મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દરેક બેઠકમાં 200થી લઈને 10,000 સુધીના લોકોએ ઉપસ્થિતિ નોંધાવી.
ભારતના તમામ રાજ્યોમાં વસતા જૈન પરિવારો સાથે સીધો જીવંત સંવાદ સ્થાપિત કરવામાં આવ્યો.
દેશભરમાં 650 જેટલા સહાયતા કેન્દ્રો ખોલવામાં
આવ્યા, જ્યાં જૈન ધર્મના જરૂરિયાતમંદ લોકો પોતાની અરજીઓ
નોંધાવી શકે અને એક જ છત્ર હેઠળ માર્ગદર્શન મેળવી શકે છે.
* આ સફળતાની કંઇ વધુ વિગત આપી શકો ?
આ વ્યાપક જાગૃતિ અભિયાનના પરિણામે, માત્ર 2021 સુધીમાં સ્કોલરશિપ માટે જ સાડા
ત્રણ લાખથી વધુ અરજીઓ મળી અને સરકારના સ્કોલરશિપ ફંડ દ્વારા અંદાજે 700 કરોડ રૂપિયા સીધા લાભાર્થીઓના
બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા. આ જ રીતે વેપારી સહાય અને લોનની મદદ દ્વારા પણ સમાજને
અંદાજે 350 કરોડ રૂપિયાની સહાય મળી છે.
* સરકાર અને મહાસંઘ સમક્ષ જૈન સમાજના હિતમાં કઈ મુખ્ય માગણીઓ
મૂકવામાં આવી છે?
- ધાર્મિક ધરોહર અને હસ્તપ્રતોની જાળવણી : અલગ-અલગ રાજ્યોમાં ફેલાયેલી
જૈન સમાજની 1200થી 1500 વર્ષ જૂની અત્યંત દુર્લભ હસ્તપ્રતો
(ખફક્ષીતભશાતિં) આજે લુપ્ત થવાની સ્થિતિમાં છે. આ પ્રાચીન ગ્રંથોની રક્ષા કરવી એ માત્ર
જૈન ધર્મની જ નહીં, પરંતુ સમગ્ર
ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની રક્ષા સમાન છે. આના રક્ષણ માટે વિશેષ કાનૂની વ્યવસ્થાની માગણી
કરાઈ છે.
- સાધુ-સંતોના પદયાત્રા (વિહાર)ની સુરક્ષા : જૈન સાધુ-સંતો વાહનોનો
ઉપયોગ કર્યા વગર સમગ્ર દેશમાં પદયાત્રા (વિહાર) કરે છે. આ વિહાર દરમિયાન ઘણીવાર અકસ્માત
કે અન્ય મુશ્કેલીઓના કિસ્સા બનતા હોય છે. આ બાબતને ગંભીરતાથી લઈને મહારાષ્ટ્ર સરકારે
અંદાજે 325 જેટલા સુરક્ષિત સ્થળો આઈડેન્ટીફાઈ
કર્યા છે, જ્યાં સંતોના વિહાર માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી
કરવામાં આવી શકે.
- પાઠશાળા અને કૌશલ્ય સંવર્ધન : બાળકોમાં સંસ્કાર સિંચન કરતી પાઠશાળાઓનું
સંવર્ધન કરવું અને મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત બહેનો પાસે રહેલા હુન્નર (જસશહહત)ને
વેગ આપીને તેમની આજીવિકા સુરક્ષિત કરવી, જેના ભાગરૂપે મુંબઈમાં 80 તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે.
* 1લી નવેમ્બરના
કાર્યક્રમમાં હાજરી આપનાર નાગરિકોને શું-શું વિશેષ લાભો મળશે અને તાલીમ શિબિરનું શું
આયોજન છે?
કાર્યક્રમ દરમિયાન આવનાર પ્રત્યેક નાગરિક માટે વ્યાજમુક્ત લોન
અરજી કરવાની લાઈવ તાલીમ રાખવામાં આવી છે, જેમાં નીચે મુજબની બાબતો શીખવા મળશે :
* ઓનલાઇન અરજી પ્રક્રિયાનું લાઈવ પ્રદર્શન
* પાત્રતા ચકાસણી અને જરૂરી દસ્તાવજોની સંપૂર્ણ યાદી.
* શિક્ષણ, કારકિર્દી
અને વ્યવસાય આયોજનનું નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન.
* નિષ્ણાતો સાથે સીધા પ્રશ્નોત્તરી સત્ર અને સ્થળ પર જ રજિસ્ટ્રેશન
સહાય.
* કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ હાજરી આપનાર માટે ગૌતમ પ્રસાદીની
સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.
* અંતમાં, જૈન સમાજ
અને યુવાનો માટે શું સંદેશ છે?
લલિતભાઈએ પ્રેરણાદાયી સંદેશ આપતાં જણાવ્યું છે કે : `સ્વાભિમાનની રક્ષા સાથે ધર્મ અને સમાજને
ઊજળા કરવાની નેમ અમે લીધી છે. જૈન સમાજના જે યુવાનો નોકરીની મર્યાદામાં બંધાઈ ગયા છે, તેમણે પોતાના અસલ વેપારી વારસાને ઓળખીને આગળ
આવવું જોઈએ. આપણે માત્ર આર્થિક રીતે સક્ષમ નથી બનવાનું, પરંતુ
જરૂરિયાતમંદ દરેક જૈન પરિવારના જીવનમાં ઉજાસ લાવવાનો છે.' આ મહાસંમેલન
એ માત્ર એક લોન વિતરણ કાર્યક્રમ નથી, પરંતુ તે જૈન સમાજની એકતા,
સશક્તીકરણ અને ઉજ્જવળ ભવિષ્યનો નવો શંખનાદ છે. સમસ્ત જૈન પરિવારો,
વિદ્યાર્થીઓ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનોને
આ ઐતિહાસિક મહાસંમેલનમાં મોટી સંખ્યામાં પધારવા હાર્દિક નિમંત્રણ છે.
(સહયોગ : ડો. પૂર્વી ગોસ્વામી)