• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

પૂર્વ કચ્છની જુદી-જુદી નવરાત્રિમાં સાદા ગણવેશમાં પોલીસ ટીમ ચાંપતી નજર રાખશે

ગાંધીધામ, તા. 7 : આગામી નવરાત્રિના તહેવારોને  લઈને ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે પોલીસતંત્ર  અને નવરાત્રિ  આયોજકોની બેઠક યોજાઈ હતી. પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોના નવરાત્રિ આયોજકોની સામૂહિક સંકલન બેઠકમાં કાર્યક્રમના અધ્યક્ષ  ચેમ્બરના ઉપપ્રમુખ  દીપક પારેખે પોલીસ વિભાગ માત્ર કાયદાનો  અમલ કરાવતી સંસ્થાન નથી, પરંતુ  સમાજમાં વિશ્વાસ અને સુરક્ષાની  ભાવના જીવંત રાખતી શક્તિ છે. વેપાર  ઉદ્યોગ જગતને સુરક્ષિત વાતાવરણ મળે તે માટે પોલીસ વિભાગનું યોગદાન અમૂલ્ય   હોવાનું કહ્યું હતું. ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ સુરક્ષિત સમાજ અને સંસ્કારી ઉત્સવ એકબીજાના પૂરક  હોવાનું કહ્યું હતું. બેઠકમાં  નવરાત્રિ આયોજકના અગ્રણી મોહનભાઈ ધારશી અને રાજભા ગઢવીએ  તમામ આયોજકોએ પોતાના ગ્રાઉન્ડની ક્ષમતા મુજબ  ખેલૈયાઓને  અને  આમંત્રિતોની સંખ્યા નિયંત્રિત રાખવા, કોઈ શ્રદ્ધા કે ધાર્મિક લાગણીને ઠેંસ ન પહોંચે તે રીતે ઉત્સવ ઊજવવા અને કોઈ પણ પ્રકારનાં ઘર્ષણ કે ગેરસમજ દરમ્યાન પોલીસ અને આયોજકો દ્વારા રચાયેલી સંકલન ટીમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ  આયોજકો દ્વારા  ગેરકાયદેસર માંસાહારનાં વેચાણ ઉપર નિયંત્રણ, નાગરિક જાગૃતિ અભિયાન, કાનૂની નિયમોનું કડક પાલન, કાર્યક્રમ સમાપ્ત થયા બાદ રાષ્ટ્રગાન, પોલીસ મોબાઈલ સ્કવોર્ડનું  સતત પેટ્રોલિંગ,ડ્રોન સર્વેલન્સ, નશો કરનારા સામે કડક કાર્યવાહી વિગેરે મુદ્દે રજૂઆત કરાઈ હતી.પૂર્વ કચ્છ પોલીસવડા સાગર  બાગમારે જણાવ્યું હતું કે,  નવરાત્રિ ગુજરાતની આગવી ઓળખ અને ગૌરવનું પર્વ છે. સૌના સહયોગથી ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઊજવાય તે આવશ્યક છે. જરૂરિયાત મુજબ કેટલાક વિસ્તારોમાં સાદા ગણવેશમાં શી-ટીમ તૈનાત  રાખવાની હૈયાધારણ આપી હતી. કંટ્રોલરૂમ, 112 સેવા, પી.સી.આર. વેન, સતત  પેટ્રોલિંગ, પાર્કિગ વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સમયમર્યાદા પાલન સહિતના મુદાઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે ગાંધીધામના વ્યાપારીના અપહરણ અને ક્રિપ્ટો કરન્સી મારફતે અંદાજિત 5.50 કરોડની વસૂલાતના ચકચારી કેસોનો ભેદ ઉકેલવા બદલ ગાંધીધામ ચેમ્બર દ્વારા  પૂર્વ કચ્છ પોલીસવડા શ્રી બાગમાર, ડી.વાય.એસ.પી. મુકેશ ચૌધરી સહિતના પોલીસસ્ટાફનું અભિવાદન કરાયુ હતું. આ વેળાએ મહાનગરપાલિકાના મેયર દિવ્યા નાથાણી, મામલતદાર જાવેદખાન સિંધીનું પણ અભિવાદન કરાયું હતું. કાર્યક્રમમાં  મનપાના  નવીનભાઈ જરૂ, તેજશ શેઠ, ચેમ્બરના જતિન અગ્રવાલ, કૈલેશ ગોર, પૂર્વ પ્રમુખ બચુભાઈ આહીર તથા હરીશ માહેશ્વરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મોમાયાભા ગઢવીએ કર્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd