ભુજ, તા. 8 : કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ
ગુરુવારે માતાના મઢ મા આશાપુરાનાં દર્શનાર્થે દીર્ઘાયુષ્ય સેવા સંકલ્પ પદયાત્રાનો આરંભ
કર્યો હતો. પદયાત્રા દરમ્યાન માર્ગમાં આવતા વિવિધ સેવા કેમ્પોની મુલાકાત લઇ સેવાભાવીઓની
કામગીરીને બિરદાવશે. સાંસદે લોકો અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુષ્ય-સ્વાસ્થ્ય
માટે ભુજના મિરજાપર માર્ગે મા આશાપુરા સેવા સંકલ્પ કેમ્પથી પદયાત્રાનો શુભેચ્છકો-સ્નેહીજનો
સાથે માઇભક્તોની હાજરીમાં માતાજીની ધ્વજા અને જયકાર સાથે આરંભ કર્યો હતો. કચ્છની કુળદેવી
અને સ્વયંભૂ પ્રાગટ્ય સ્થાન એવાં માતાના મઢમાં બિરાજમાન મા આશાપુરાના દર્શનાર્થે દર
વર્ષે આસો નવરાત્રિ નિમિત્તે લાખો માઈભક્તો પદયાત્રા, સાઈકલ અને વિવિધ વાહનો દ્વારા ઊમટી પડે છે.
આ વર્ષે જનતાની સુખાકારી અને દેશના વડાપ્રધાન
શ્રી મોદીના દીર્ઘાયુષ્ય માટે એક વિશેષ પદયાત્રા ગુરુવારે સાંજે 6.30 કલાકે ભક્તિમય માહોલમાં શરૂ
કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ અને પદયાત્રી સાથે કચ્છની જનતા
ઉપસ્થિત રહી હતી અને મા આશાપુરાનો જયઘોષ કર્યો હતા. આ પદયાત્રા દરમિયાન સાંસદ શ્રી
ચાવડા માતાના મઢ સુધી પગપાળા જઈ રહેલા ભક્તોની સાથે ચાલશે. આ સાથે જ યાત્રાના માર્ગ
પર પદયાત્રીઓની સુવિધા માટે રાત-દિવસ જોયા વગર નિ:સ્વાર્થ ભાવે સેવા આપતા સેવાભાવી
સ્વયંસેવકો અને સંસ્થાઓની સેવા -ભાવનાને પ્રોત્સાહિત કરશે.