અંજાર, તા. 20 : સરહદ ડેરી દ્વારા મધ્યપ્રદેશના
હનોતીમાં નવા કલસ્ટર બલ્ક મિલ્ક કૂલર (બીએમસી)નો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સરહદ
ડેરી ગુજરાત રાજયમાં અમૂલ સાથે જોડાયેલી નવમી
સૌથી મોટું ટર્નઓવર કરતી ડેર છે. ગુજરાતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં પશુપાલકો પાસેથી
છેલ્લાં 17 વર્ષથી દૂધ એકત્ર કરીને અમૂલ દૂધ તેમજ
દહીં, પનીર, આઈસક્રીમ અને મીઠાઈ આખા દેશમાં ઉપલબ્ધ કરાવીને વાર્ષિક 1281 કરોડનું ટર્નઓવર કરી રહી છે.
મધ્યપ્રદેશના હનોતીમાં શરૂ કરાયેલા નવાં ક્લસ્ટરના લોકાપર્ણ પ્રસંગે દમોહ લોકસભા વિસ્તારના
સાંસદ રાહુલસિંહ લોઘી તથા ધારાસભ્ય જયંત મલૈયા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગૌરવ પટેલ, સરહદ ડેરીના અધિકારી જાદવ નંદાણિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સરહદ ડેરીના ચેરમેન વલજીભાઈ હુંબલે પશુપાલકો અને મંડળીઓને સરહદ ડેરી દ્વારા પૂરી પાડવામાં
આવતી પ્રાથમિક સુવિધાઓનો મહત્તમ લાભ ઊઠાવવા જણાવ્યું હતું તેમજ હનોતી સાથે જોડાયેલી
21 મંડળીનું દૂધ કલેક્શન કરવામાં
આવ્યું છે. પ્રથમ દિવસે 1600 લિટર દૂધ એકત્રિત કરાયું છે. સરહદ ડેરી દ્વારા આ પહેલ માત્ર
દૂધ ઉત્પાદનને પ્રોત્સાહન જ નહીં, પરંતુ
ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને આવકની તકો ઊભી કરાશે. શરૂ કરાયેલાં નવા કેન્દ્રમાં
પશુપાલકો સરહદ ડેરી સાથે પશુ ચિકિત્સા સેવાનો પણ લાભ લઈ શકશે. પશુપાલકોનાં હિતમાં સતત
પ્રયત્નશીલ આ સંસ્થા દ્વારા પશુપાલકો પોતાનાં દૂધનો ભાવ, વજન,
ફેટ, એસએનએફની વિગતો એપના માધ્યમથી જોઈ શકશે. દૂધની વિગતો નોંધાયેલા નંબર ઉપર એસએસએમનાં
માધયમથી મળી જશે. ડેરી પ્રશાસન દ્વારા પશુપાલકો અને પશુઓ માટે વીમો પણ લીધો હોવાનું એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.