ડુમરા (તા. અબડાસા), તા. 20 : તાલુકાના
પરજાઉ ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં 108 એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવાતાં તેમણે બાળકને જન્મ આપ્યો.
પરજાઉના મમતાબેન દિનેશભાઈ મેઘવાળને પ્રસૂતિની પીડા ઊપડતાં પરિવારજનો દ્વારા 108 ઇમરજન્સી સેવા પર કોલ કરવામાં
આવ્યો હતો. કોલ મળતાં જ ડુમરા 108 લોકેશનની
એમ્બ્યુલન્સ ઈએમટી સાહિલ જોષી અને પાઇલટ અશોક ચંદે સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
હતી. પ્રસૂતાને જરૂરી સારવાર માટે સરકારી હોસ્પિટલ નલિયા ખાતે લઈ જવામાં આવી રહી હતી.
દરમિયાન રસ્તામાં પ્રસૂતિની પીડા અચાનક વધી જતાં પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈએમટી શ્રી
જોષીએ એમ્બ્યુલન્સમાં જ જરૂરી તબીબી પ્રક્રિયા શરૂ કરી હતી. 108 ટીમની સમયસરની કામગીરી અને
તબીબી કાળજીના પરિણામે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને મમતાબેને
એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની જરૂરી કાળજી લેવામાં
આવી હતી. માતા અને બાળક બંનેની હાલત સારી હોવાનું જણાતાં તેમને વધુ તબીબી તપાસ અને
સારવાર માટે નલિયા સરકારી હોસ્પિટલ ખાતે સુરક્ષિત
રીતે પહોંચાડવામાં આવ્યા હતા.