• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

વિદાય પૂર્વે કચ્છમાં ગાજવીજ સાથે મેઘમહેર

ભુજ, તા. 20 : ચોમાસાની વિદાયની ગણાતી ઘડીઓ વચ્ચે રવિવારે સાંજના સમયે કચ્છના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વાગડથી લઈ ભુજ તાલુકામાં  પવન સાથે હળવાં-ભારે ઝાપટાં વરસ્યાં હતાં. લોકલ સિસ્ટમ વિકસિત થતાં આ વરસાદ પડયાનું હવામાન વિભાગે જણાવ્યું છે. 35 ડિગ્રી મહત્તમ તાપમાને ભારદવી તાપનો અનુભવ થયા બાદ સાંજ ઢળતાં પ્રથમ રાપર, ભચાઉ તે પછી ગાંધીધામ સંકુલ, કુકમા, માધાપર, ભુજોડીમાં છાંટાથી લઈ ઝાપટાં પડયાં હતાં. જિલ્લા મથક ભુજમાં સવા આઠ વાગ્યાના અરસામાં વિજળીના ચમકારા સાથે ઝાપટું વરસવું શરૂ થયું હતું. રાત્રિના વાતાવરણમાં નાટયાત્મક પલટો આવ્યા બાદ શરૂઆતમાં છાંટા પડયા બાદ એકાએક ધોધમાર વરસાદી ઝડી વરસવી શરૂ થઈ હતી. ભારે વરસાદી ઝાપટાંના પગલે માર્ગો પરથી પાણી વહેતાં થયાં હતાં અને વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી.  તાલુકાના માધાપર, કુકમા, ભુજોડી સહિતનાં સ્થળે પણ વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. વરસાદ સાથે પવન-વીજળીનું જોર વધુ જોવા મળ્યું હતું. વરસાદનાં પગલે નાના યક્ષના મેળાના રંગમાં ભંગ પડયો હતો. મિરઝાપર, ચપરેડી, ભચાઉ તાલુકાના લલિયાણા, કણખોઈ સહિતના ગામોમાં ઝાપટાં પડયાં હતાં. ગાંધીધામ સંકુલમાં સાંજના ભાગે અચાનક વાતાવરણમાં બદલાવ આવ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. થોડા દિવસના વિરામ બાદ સાંજના ભાગે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ગાંધીધામ, આદિપુર, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, શિણાય સહિતના ગ્રામીણ વિસ્તારમાં પવન સાથે સારું એવું વરસાદી ઝાપટું પડ્યું હતું. રસ્તા ઉપર પાણી વહેતાં થઈ ગયાં હતાં. લાંબા સમય સુધી વરસાદ પડ્યો નથી. એક બાજુ ગણેશ વિસર્જન અને બીજી તરફ વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટાંથી લોકોએ આનંદ માણ્યો હતો. થોડા દિવસ બાદ લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને ગાંધીધામ સંકુલમાં પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો, ત્યાર પછી ઘણા દિવસોના વિરામ બાદ રવિવારે સાંજના 7:00 વાગ્યાના અરસામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન સાથે વરસાદ પડ્યો હતો. રાપર તાલુકાના સેલારી ગામે આજે સાંજે 5:30થી 55:45 વાગે જોરદાર પવન સાથે વરસાદનું ઝાપટું પડતાં ગામના પાણી વહી નીકળ્યાં હતાં તેવું દિનેશભાઈ એમ. ઠક્કરની યાદીમાં જણાવાયું હતું. વિદાય લેતા પૂર્વે મેઘરાજાએ વાગડ પર હેત વરસાવ્યું છે. આજે સાંજે પાંચ વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવતાં તોફાની પવન અને ગાજવીજ સાથે સમગ્ર તાલુકામાં ફરી એકવાર વરસાદ વરસ્યો હતો. તાલુકાનાં ટીંડલવા, કીડિયાનગર, કાનપર, બાલાસર, જાટાવાડા, લોદ્રાણી, રાસાજી ગઢડા, ધબડા, બેલા સહિત તમામ ગામોમાં વરસાદી ઝાપટાં પડયાં હોવાનું જાણવા મળ્યું હતું. બાલાસરથી જયેન્દ્રાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, સાંજે અચાનક તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. પંદર મિનિટના તોફાની વરસાદમાં બાલાસર પાણી પાણી થઈ ગયું હતું. કયાંક ધોધમાર, તો ક્યાંક ઝાપટાં વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી. રાપરમાં પણ તોફાની પવન સાથે ઝાપટું પડતાં વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આ ચોમાસામાં વરસાદમાં વાગડ સૌથી આગળ રહ્યું છે જેનાથી ખરીફ પાક તો સારો આવશે જ, પણ રવીપાક માટે પણ અનુકૂળ વાતાવરણ અને પાણીથી જીરું, રાયડો જેવા રોકડિયા પાક માટે પણ ખેડૂત આશાવાદી બન્યો છે. નખત્રાણા તાલુકાના જતાવીરા, ધામાય, લાલકા, રવાપર, ફાચરિયા, હરિપર, ભુજ તાલુકાના કેરા, કાળી તલાવડી, ઢોરી સહિતમાં પણ જોરદાર ઝાપટાં વરસ્યાના અહેવાલ સાંપડયા છે. દરમયાન હવામાન વિભાગે બેથી ત્રણ દિવસમાં કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે તે માટેના અનુકૂળ પરિબળ સર્જાયા છે. આ તરફ મુંદરામાં રાત્રિના પોણા નવ વાગ્યાના અરસામાં પવન અને વીજળી સાથે જોરદાર ઝાપટું વરસતાં થોડા જ સમયમાં રસ્તા પાણી-પાણી થઈ ગયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવો જ વરસાદી માહોલ છવાયાનું જાણવા મળ્યું હતું. તો તીર્થધામ માતાના મઢમાં રાત્રે સવાઆઠ-સાડા આઠથી ધોધમાર વરસાદ પવનની પાંખે પડયો હતો. વરસાદનાં પગલે વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. - ભુજમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી : ભુજમાં સમીસાંજે ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી મુંદરા બાયપાસ રોડ જતા માર્ગે વૃક્ષ ધરાશાયી થતાં થોડા સમય માટે વાહનવ્યવહાર અવરોધાયો હતો. ભુજ ફાયર બ્રિગેડને જાણ કરાતાં વૃક્ષને કાપી સાઈડમાં કરી રસ્તા પર વાહનવ્યવહારને પુન: ચાલુ કરાવાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd